પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે, 2024માં ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રની સત્તામાંથી હટાવવી તેમની અંતિમ લડાઈ હશે. ટીએમસી પ્રમુખ બેનર્જીએ એક રેલીને સંબોધન કરતા ભાજપને 2024ની લોકસભા ચૂંટણીમાં હરાવવા કહ્યું છે. કેન્દ્રમાં ભાજપને સત્તામાંથી બહાર કરવા માટે દિલ્હીની લડાઈ મારી અંતિમ લડાઈ હશે. હું ભાજપને સત્તામાંથી હટાવાનું વચન આપું છું.
તેમણે પોતાના સંબોધનમાં આગળ કહ્યું કે, ભાજપને કોઈ પણ કિંમતે હરાવાનું છે. બેનર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળને બચાવવું અમારી પ્રથમ લડાઈ છે. હું વચન આપું છું કે, અમે 2024માં કેન્દ્રમાંથી ભાજપને સત્તામાંથી હટાવી દઈશું. જો આપ અમને ડરાવાની કોશિશ કરશો, તો અમે જવાબ આપીશું.
બેનર્જીએ 1984માં 400થી વધારે સીટ જીતવા છતાં પણ 1989માં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી ચૂંટણી હારવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સૌ કોઈને હારનો સામનો કરવો પડે છે. તેમણે આગળ કહ્યું કે, ઈંદિરા ગાંધી દિગ્ગજ નેતા હતા. પણ તેમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના લગભગ 300 સાંસદ છે, પણ બિહાર હાથમાં નિકળી ચુક્યું છે. અને અન્ય રાજ્ય પણ તેમના હાથમાંથી જશે.