લગભગ દરેક ભાજપના નેતાઓ ખાસ કરીને દિગ્ગજ નેતાઓ કોઈ પણ રેલી હોય કે સમારંભ પીએમ મોદીના વખાણ કરવાનું ચુકતા નથી, ત્યારે હવે ફરી એક વાર રક્ષામંત્રી રાજનાથ સિંહે પીએમના ખૂબ વખાણ કર્યા છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, મહાત્મા ગાંધી બાદ પ્રધાનમંત્રી મોદી એકમાત્ર એવા નેતા છે, જેમણે ભારતની ભાવનાઓને સમજી છે. તેઓ એવા નેતા છે, જે લોકો સાથે જોડાય છે અને લોકો તેમના પર વિશ્વાસ કરે છે. આ વાત રક્ષામંત્રીએ સોમવારે અજય સિંહની બુક ‘દ આર્કિટેક્ટ ઓફ ન્યૂ બીજેપી’ ના વિમોચન અવસરે કહી હતી.
પુસ્તક ‘દ આર્કિટેક્ટ ઓફ ન્યૂ બીજેપી’ ના વિમોચન અવસરે રક્ષામંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીના નેતૃત્વના ખોબલેને ધોબલે વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, અજય સિંહ દ્વારા લખવામાં આવેલી આ બુક પીએમ મોદીના જીવનને નહીં પણ લોકો સાથે જોડવાની ઉત્તમ ક્ષમતા પર લખેલી છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીની વિચારધારાથી સમાધાન કર્યા વગર પોતાના નવાચારથી ભાજપને ચૂંટણી જીતવાનું મશીન બનાવી દીધું. ભાજપની વિચારધારા અને રાજકીય ઘટનાઓની પાછલા આઠ વર્ષમાં પાર્ટીની અજેય યાત્રામાં યોગદાન આપ્યું છે. પણ આ કોન્સેપ્ટને લોકો સુધી લઈ જવામાં અને તેમા વિશ્વાસ અપાવવામાં મોદીની રણનીતિનો કોઈ તોડ નથી.
રક્ષામંત્રીએ કહ્યું કે, આરએસએસ અને ભાજપ દ્વારા તેમને જે પણ કામ સોંપવામાં આવ્યા, તેમણે શાનદાર રીતે પુરા કર્યા. તેઓ દરેક જવાબદારી પર ખરા ઉતર્યા છે. પીએમ મોદીના વખાણ કરતા રાજનાથ સિંહે કહ્યું કે, હાલમાં સ્વતંત્ર ભારતમાં તેમના જેવો કોઈ બીજો નેતા નથી. તેમણે કહ્યું કે, આવું દુર્લભ વ્યક્તિત્વ અને સંગઠનાત્મક કૌશલ દૈવીય ક્ષમતા વિના સંભવ નથી.