દેશમાં આરોગ્ય વિમો (હેલ્થ ઈન્સ્યોરન્સ) ખૂબ જ મોંઘો હોવાનું સ્વીકાર કરતા વિમા ઓથોરીટીના ચેરમેન દેબાશીષ પાંડાએ જણાવ્યું હતું કે ટેકનોલોજીનો લાભ ઉઠાવીને આ વિમા ખર્ચ ઘટાડી શકાય છે.
શ્રી પાંડાએ જણાવ્યું કે દેશના એક મોટા વર્ગને મોંઘા વિમા પ્રીમીયમના કારણે આ પ્રકારના કવચથી દૂર રહેવાની ફરજ પડે છે. શ્રી પાંડાએ સ્વીકાર્યુ કે હોસ્પીટલ ખર્ચમાં જે છૂપા ખર્ચ છે તેના કારણે વિમા કવચ મોંઘુ પડે છે. હોસ્પીટલોના પુર્વ નિર્ધારિત ખર્ચ ખૂબ જ ઉંચો છે. તેઓએ જણાવ્યું કે આરોગ્ય વિમા પ્રીમીયમ ઘટે તે માટે અને તેને વ્યાજબી બનાવવા માટેના ઉપાયો પર વિચારણા કરવી પડશે.
વીમા પ્રિમીયમ ઘટાડવા માટે ઇન્સ્યુરન્સ નિયમનકાર દ્વારા એજન્ટોના કમિશનમાં કાપ મૂકી દેવામાં આવ્યો જ છે. એજન્ટને 30 થી 35 ટકા કમિશન મળતું હતું તેના બદલે હવે 20 ટકાની મર્યાદા મૂકી દેવામાં આવી છે. આ કદમથી પ્રિમીયમ ઘટશે અને લોકોને પણ રાહત મળશે. કોરોના કાળ વખતે લોકોને આરોગ્ય વિમાની અનિવાર્યતાની સમજ પડી હતી.