‘કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહ્યબો,ચાલોને સૈયર ગણેશ વધાવવા જઈએ ‘ ભગવાન ગણપતિને વધાવવાનો ઉત્સાહ કોને ન હોય? સ્મરણ માત્રથી જ ભવિકોના વિઘ્નોને દૂર કરતા ગણેશ ભગવાનને ભાવથી ભજવાનો અવસર એટલે ગણેશ મહોત્સવ.ભાવનગર શહેર અને જિલ્લામાં ગણેશ ચતુર્થીની ઉજવણી સાથે દસ દિવસના ગણેશ મહોત્સવનો આજથી ધર્મમય માહોલમાં પ્રારંભ થયો છે.શહેરમાં વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હોય,સવારના શુભ મુહૂર્તમાં વિવિધ સ્થળોએ ગણેશજીની વિવિધ સાઈઝ અને મુદ્રાઓ સાથેની પ્રતિમાની શોભાયાત્રાઓ નીકળી હતી.ડી.જે.સાઉન્ડ, બેન્ડ અને ઢોલ-નગારા સાથે નીકળેલી ગણપતિબાપાની શોભાયાત્રામાં ભાવિકો શ્રધ્ધાભેર જાેડાયા હતા અને ઉત્સાહભેર ગણેશજીની સ્થાપના કરી હતી.
ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ,ઘોઘાસર્કલ, રૂપાણી દીવડી, ભરતનગર, સુભાષનગર, પાનવડી ચોક,વડવા પાદરદેવકી, કણબીવાડ સહિતના સ્થળોએ સાર્વજનિક ગણેશ મહોત્સવનું વિવિધ સંસ્થા અને મંડળો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક, સેવાકીય અને લોકજાગૃતિ પ્રેરક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. ભાવિકોએ પોતાના ઘરે પણ એક દિવસથી લઈને દસ દિવસ સુધી ગણપતિનું સ્થાપન કર્યું છે.કોરોનાકાળના કપરા બે વર્ષ બાદ આ વર્ષે ધામધૂમપૂર્વક ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી હોય ભવિકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.