ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે પરંતુ તંત્ર વાહકો ચોમાસામાં રસ્તા રીપેર થાય નહિ તેવી એક જ વાત પર અટકેલા છે. હવે જયારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને મુખ્યમંત્રીએ પણ રસ્તા રીપેર માટે તાકીદ કરી છે ત્યારે તંત્ર ખાડા પૂરવા તૈયાર થયું છે, કહેવાનું એ કે આજદિન સુધી પ્રજાજનો ખરાબ રસ્તામાં ઠેબા ખાતા રહ્યા પરંતુ પ્રજાનું કોઈ મૂલ્ય જ ન હોય તેમ તંત્ર વાહકો કામે લાગ્યા ન હતા.!
ભાવનગરમાં પણ મહાપાલિકાના રોડ વિભાગએ મેટલ ગ્રાઉટિંગ માટે તૈયારી હાથ ધરી છે અને તેને આનુષંગિક પેચ કટિંગ હાથ ધર્યું છે. જાેકે, ત્યાં આજે વરસાદ વેરી બન્યો છે. પરંતુ ભાવનગર મ્યુ. તંત્ર હજુ પણ બાબા આદમ વખતની પદ્ધતિએ જ કામ કરી રહ્યું છે. દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો આવિષ્કાર થયો છે પરંતુ મ્યુ.રોડ વિભાગે હજુ ૧૮મી સદીમાં જ જીવે છે અથવા તો નગરજનોને ૧૮મી સદીમાં જ રાખવા માંગે છે. ચોમાસામાં ડામરનું કામ ન થાય તેવી એક વાત પર જ રોડ વિભાગ અટક્યું છે. ટેકનોલોજીના આ યુગમાં અન્ય વિકલ્પ હોય જ પરંતુ મ્યુ. રોડ વિભાગ જાણે ૧૮મી સદીમાં જ રહેવા પણ લઈને બેઠું છે. રોડ વિભાગની દુરંદેશીના અભાવે નગરજનો રોડના ખાડા ઠેકવા મજબુર બને છે.
ચોમાસા પૂર્વે કેટલા ખાડા પૂર્યા ?, તંત્ર વિગતો જાહેર કરે…
વર્ષોથી રોડના કામમાં વ્યાપક ગેરરીતિ અને ભ્રષ્ટાચારની બુમ રહે છે, કાલી કમાણી માટે રોડના કામ હાથવગા હથિયાર માનવામાં આવે છે, શાસકો પણ કરોડોના ખર્ચે રોડના કામોને વિકાસ ગણાવે છે પરંતુ હકીકત એ છે કે, ચોમાસુ આવે એટલે રસ્તા ખખડધજ હાલતમાં જ જાેવા મળે છે. ચોમાસા પૂર્વે રસ્તાના ખાડા પુરાતાં નથી અને વરસાદમાં એ ખાડાઓ ઓર મોટા બની જાય પછી નવા રોડ માટે કરોડોના ટેન્ડર બહાર પડે છે. આમ, રોડની મરામત નહિ કરવાનુ એક કારણ નવા કામો મળી રહે એ પણ હોવાનું લોકો માની રહ્યા છે!