અરવલ્લીમાં પદયાત્રીઓને ગંભીર અકસ્માત નડ્યો છે. માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને ઇનોવા કારે કચડી નાખતા કુલ 7 પદયાત્રીઓના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 5 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. આ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની છે.
જો કે, આ અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. સાથે લોકોના ટોળાં એકત્ર થઇ જતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. આથી, તાત્કાલિક આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રોજના 43 અકસ્માતમાંથી 22 લોકોને કાળ ભરખી જાય છે. દર બીજા એક્સિડન્ટમાં એક માનવ મૃત્યુ થઇ રહ્યું છે. દેશમાં વર્ષ 2021માં 4.22 લાખ ટ્રાફિક અકસ્માતોમાં 1.73 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ટ્રાફિક અકસ્માતોમાં 4.03 લાખ રોડ અકસ્માત હતા. ગુજરાતમાં ટ્રાફિક અકસ્માતના 15,771 કેસોમાં 13,723 લોકોને ઇજાઓ થઇ હતી જ્યારે 8,036 લોકોનાં મૃત્યુ થયાં હતાં. સૌથી વધારે ટ્રાફિક અકસ્માતો બપોરે 3થી રાત્રે 9 વાગ્યાના સમયગાળામાં થાય છે. રાજ્યમાં એક વર્ષમાં ટ્રાફિક અકસ્માતોમાં 13.5 ટકાનો વધારો થયો છે.
અકસ્માત માટે જવાબદાર કારણ બેફામ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડ
અકસ્માતના સૌથી મહત્ત્વનાં કારણોમાં ઓવર સ્પીડ, બેફામ ડ્રાઇવિંગ સૌથી વધારે જવાબદાર કારણો તરીકે ઉભરી આવ્યાં છે. ગુજરાતમાં સૌથી વધારે 6,630 લોકોનાં મૃત્યુ ઓવર સ્પીડમાં થયેલા અકસ્માતોના કારણે થયાં હતાં. વર્ષ 2021માં રખડતાં ઢોરના કારણે 46 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. દેશમાં આ આંકડો 1,264 છે. સૌથી વધારે 128 લોકોએ ઓડિશામાં ઢોરોના કારણે જીવ ખોયા છે.