કેન્દ્ર સરકારે શ્રમિકોના અધિકારો સાથે જોડાયેલા વિવિધ ૨૯ જેટલા કાયદાઓને એક કરીને
ચાર નવા લેબર કોડ લાગુ કર્યા છે. આ ચાર લેબર કોડનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેની
દેશભરમાં શ્રમિકો, કર્મચારીઓ અને કંપનીઓ પર અસર પડશે. સરકારે લઘુતમ વેતન ક્રાઇટેરિયાને હાલ
રદ કરી નાખ્યો છે. જેને લઇને વિવાદની પણ શક્યતાઓ છે, જ્યારે કર્મચારીઓના હિતમાં પણ કેટલાક
નિયમો લાગુ થવા જઇ રહ્યા છે જેને પગલે સપ્તાહમાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ આરામનો
નિયમ લાગુ કરવાનો રસ્તો પણ સ્પષ્ટ થઇ ગયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા નોટિફાઇ કરાયેલા નવા લેબર કોડ નિયમ મુજબ કોઇ પણ કર્મચારી માટે સપ્તાહમાં ૪૮
કલાકથી વધુ કામ નહીં કરાવી શકાય. કંપની અને કર્મચારીઓ ઇચ્છે તો આ ૪૮ કલાકનું કામ માત્ર ચાર
દિવસમાં વિભાજીત કરી શકશે, એટલે કે પ્રતિ દિવસ જો ૧૨ કલાકનું કામ કરી આપે તો ચાર દિવસમાં
૪૮ કલાક કામનો નિયમ પૂર્ણ કરી શકાય, આ રીતે તે સપ્તાહમાં ત્રણ દિવસ રજા રાખી શકશે, જોકે આ
નિયમ તમામ માટે સમાન રીતે લાગુ નથી કરાયો, મજૂરો માટે એક દિવસમાં આઠ કલાકનો જ નિયમ
લાગુ રહેશે. તેનાથી વધુ સમય સુધી કામ પર ઓવરટાઇમ મળશે.
સરકારે ૧૦ મેના રોજ તમામ ચાર લેબર કોડના અંતિમ નિયમો જારી કર્યા હતા, જેમાં ઇન્ડસ્ટ્રિયલ
રિલેશન કોડ ૨૦૨૦, કોડ ઓન વેજ ૨૦૧૯, સોશિયલ સિક્યોરિટી કોડ ૨૦૨૦ અને ઓક્યુપેશન સેફ્ટી,
હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન કોડ ૨૦૨૦ સામેલ છે. સંસદ દ્વારા આ કાયદા પસાર કર્યાના લગભગ છ વર્ષ
બાદ ૩૦થી વધુ ગેઝેટ નોટિફિકેશન દ્વારા અંતિમ સ્વરુપ આપવામાં આવ્યું છે. આ પહેલા ડિસેમ્બર
૨૦૨૫ના રોજ જે ડ્રાફ્ટ જારી કર્યો હતો તેમાં લઘુતમ વેતન નક્કી કરવા માટે કેલરી ઇનટેક, કપડા,
ભાડુ, ઇંધણ ખર્ચ વગેરે માપદંડ નક્કી કરાયા હતા. જોકે અંતિમ નિયમોમાંથી તેને હટાવી દેવાયા છે. હવે
લઘુતમ વેતન મુદ્દે સરકાર અલગથી આદેશ જારી કરશે.


