દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીમાં છબરડાઓ વારંવાર સામે આવતા હોય છે. અવારનવાર આ પ્રકારના છબરડાઓનાં કારણે વિદ્યાર્થીઓ સહિત લોકોમાં તેના કારણે રોષ જોવા મળતો હોય છે. હાલ જો કે યુનિવર્સિટીએ ભૂતકાળમાં કરેલ એક છબરડાને સુધારવા માટે કવાયત હાથ ધરી છે.
ગત ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલી LLB સેમેસ્ટર 5 ની પરીક્ષામાં અભ્યાસક્રમ બહારનાં પ્રશ્નો પૂછાયા હતા. MCQ બેઇઝ પરીક્ષામાં જુના નિયમાનુસાર પ્રશ્નો પૂછાયા હતા. પીસી વિષયમાં 50 પ્રશ્નોમાંથી અંદાજે 19 પ્રશ્નો જૂના કાયદામાંથી એટલે કે અભ્યાસક્રમની બહારનાં પૂછાયા હતા. આટલી મોટી ભૂલ થતાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. જો કે આ પ્રકારની ભૂલોનો પણ યુનિવર્સિટીનો ઇતિહાસ રહ્યો છે. પરંતુ તેના કારણે અંદાજે 1100 જેટલા વિદ્યાર્થીઓ હેરાન થયા હતા.
જો કે મોડું મોડું પણ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર જાગ્યું ખરું. આખરે LLB સેમેસ્ટર 5ની પરીક્ષામાં થયેલી ભૂલ 8 મહિના પછી તેમણે સ્વીકારી હતી અને 1100 માર્કશીટ પરત મંગાવી હતી. આ જાહેરાતથી વિદ્યાર્થીઓને રાહતનો શ્વાસ લેવાયો છે. સાથોસાથ જો કે હવે ત્રણ મહિના બાદ ભૂલ સ્વીકારતા વિદ્યાર્થીઓને ફરી હાલાકીનો સામનો કરવો પડી શકે છે.