બોલિવૂડ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તથા ડાયરેક્ટર અયાન મુખર્જી મંગળવારે સાંજે જ્યોતિર્લિંગ બાબા મહાકાલના દર્શન માટે પહોંચ્યા હતા. તે લોકો આવે તે પહેલા જ હિંદુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જે બાદ બોલિવૂડ કપલ આલિયા અને રણબીર કપૂરને દર્શન કર્યા વગર જ પરત ફરવુ પડ્યુ હતુ. જોકે, તેમની સાથે આવેલા ડાયરેક્ટર અયાન મુખર્જીએ મંદિરના ગર્ભગૃહમાં જઇને દર્શન અને પૂજા કરી. અયાનને પણ હિંદુ સંગઠનોએ કાળા ઝંડા બતાવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, પ્રખ્યાત જ્યોતિર્લિંગ બાબા મહાકાલ મંદિરના મુખ્ય અને VVIP શંખ દ્વાર પર અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અયાન મુખર્જીના આગમન પહેલાં, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો અને અધિકારીઓએ હંગામો મચાવ્યો હતો. બજરંગ દળના કાર્યકરોને પોલીસે માર માર્યો હતો. તે બધા રણવીર કપૂરને કાળા ઝંડા બતાવવા અને મંદિરમાં પ્રવેશતા રોકવા માટે આવ્યા હતા.
આ અંગે બજરંગ દળના અધિકારી અંકિત ચૌબેએ કહ્યું કે, પ્રશાસને તેમના આ વર્તન માટે જવાબ આપવો પડશે કે કેવી રીતે ગૌમાંસ ખાનારાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. સદનસીબે, આલિયા અને રણવીર મંદિર આવે તે પહેલા જ આ વિવાદ ઉભો થયો હતો. જોકે આ દરમિયાન પોલીસ સુરક્ષામાં મોટી ઉણપ જોવા મળી હતી.