ગુજરાત રાજ્યના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ અને પ્રશ્નોને લઇને જંગે ચડ્યા છે. આજે રાજ્યભરના કર્મચારીઓએ ભાવનગર આવીને અહીંના જવાહર મેદાનમાં સંમેલન યોજી ધરણાં કર્યાં હતાં તો બપોર બાદ રેલી અને આવેદન સહિતના કાર્યક્રમો પણ યોજાયા છે. રાજ્યભરમાંથી આંદોલનકારી કર્મચારીઓ ભાવનગર પહોંચતા આરોગ્ય કર્મીઓના આંદોલનમાં ભાવનગર આજે એપી સેન્ટર બન્યું હતું.
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પડતર માંગણીઓના વણઉકેલાયેલા પ્રશ્નો સામે આવી રહ્યા છે. અગાઉ તલાટીની હડતાળ બાદ હવે ગુજરાતના તમામ આરોગ્ય વિભાગના કર્મીઓ પોતાની માંગને લઇને ભાવનગર ખાતે આજે વિરોધ પ્રદર્શન માટે એકત્ર થયા છે. દાવા મુજબ આશરે ૧૬ હજાર કર્મચારીઓ આજે બપોર બાદ યોજાનાર રેલી અને આવેદન પાઠવવાના કાર્યક્રમમાં જાેડાઇ પોતાની માંગને બુલંદ કરશે.
મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર માટે ૧૯૦૦નો ગ્રેડ પે વધારીને ૨૮૦૦ કરવો, પ્રાઇવેટ ટ્રાવેલિંગ એલાઉન્સ અને કોરોના સમયે કેર સેન્ટરમાં જે ફરજ બજાવી હતી તેનું મહેનતાણું અલગથી આપવું સહીતની માંગને લઈને આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે. મહત્વનું છે કે આ માગણીઓનો સરકારે અગાઉ સ્વીકાર કર્યો હોવા છતાં આજદિન સુધી અમલ થયો નથી
રાજ્યભરમાં જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની પોતાની માંગને લઈને એક મહિનાથી હડતાળ પર છે. અગાઉ સરકાર સાથે બેઠકમાં સમાધાનની ફોર્મ્યુલા ફેલ થઇ હતી. આથી હવે ગુજરાતના તમામ આરોગ્ય કર્મચારીઓ ભાવનગર ખાતે એકઠા થયા છે અને બપોરે રેલી સહિતના કાર્યક્રમો યોજશે.