વરતેજ તાબેના બુધેલ ગામમાં રહેતા યુવાનને ગામના જ બે શખ્સે વાડીએ લઈ જઇ લાકડાની ઇસ અને પાયા વડે મુંઢ માર મારતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર રહેશે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ બુધેલ ગામમાં રહેતા પ્રફુલભાઈ મનુભાઈ ડોડીયા અને મેહુલભાઈ મનુભાઈ ડોડીયાનો નાનો ભાઈ વિજય ઘરે કહ્યા વગર જતો રહ્યો હોય, વિજયના મિત્ર મહાવીરભાઈ ભુપતભાઈ ચૌહાણની ચઢામણીથી તે જતો રહ્યો હોવાની શંકા રાખી પ્રફુલભાઈ અને મેહુલભાઈએ મહાવીરભાઈને કારમાં બેસાડી પોતાની વાડીએ લઈ ગયા હતા અને ખાટલાની ઇસ અને પાયા વડે મૂઢમાર મારી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત મહાવીરભાઈને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
આ બનાવ અંગે મહાવીરભાઈએ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.