ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા યુવક ઉપર વીમા અંગેનો વેરીફિકેશન રિપોર્ટ પોઝિટિવ ન આપ્યાની દાઝ રાખી છ શખ્સે માર મારી ધમકી આપતા યુવકે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ ન્યુ એસ.ટી. સોસાયટીમાં રહેતા અને પ્રો વિઝન ઇન્વેસ્ટેશનમાં એનાલિસ્ટ તરીકે નોકરી કરતા બહાદુરસિંહ બળવંતસિંહ રાઠોડ ઉ.વ.૩૨) એ નીલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, મનીષભાઈ પરમાર તથા તેમનો પુત્ર સચિન પરમાર, ઉજવલભાઈ પરમાર, જીતુભાઈ પરમાર સહિતનાએ વીમાનો વેરિફિકેશન નો રિપોર્ટ પોઝિટિવ કેમ ના આપ્યો તેમ કહી ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હતો. દરમિયાન રોમેશ રાઠોડ, અક્ષય રાઠોડ આવી જતા તેમણે પણ માર મારી વાઘાવાડી રોડ થઈ રૂવા ગામની આગળ આવેલ ખાર વિસ્તારમાં લઈ ગયેલ અને ત્યાંથી મેઘાણી સર્કલ ઓફિસે લાવેલ અને તેમની ઓફિસ પાસે ગાળો અને ધમકી આપી વાઘાવાડી પરત મૂકી ગયા હતા.
આ બનાવ અંગે નીલમબાગ પોલીસે છ શખ્સ વિરુદ્ધ ગુનો નીંધી તપાસ હાથ ધરી છે.