ગુજરાતની રાજનીતિમાં અત્યંત નિર્ણાયક ગણાતા કોળી સમાજમાં આગામી અઠવાડિયે દિલ્હીમાં યોજાનારા બે અલગ-અલગ રાષ્ટ્રીય સંમેલનોને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ૧૪ જૂન અને ૨૧ જૂનના રોજ માત્ર સાત દિવસના અંતરે દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના નામે બે જુદા જૂથો આમને-સામને આવી ગયા છે, જેના કારણે બંને વરિષ્ઠ નેતાઓ વચ્ચેનું રાજકીય યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે.
અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ૧૪ જૂનના અધિવેશનની આગેવાની કરી રહ્યા છે. તેમણે ૨૧ જૂનના સંમેલન પર નિશાન સાધતા જણાવ્યું કે, “આ આયોજન માત્ર અંગત સ્વાર્થ અને પોલિટિકલ લાભ ખાટવા માટે કરાયું છે. વિરોધી જૂથના લોકોએ અત્યાર સુધી સમાજ માટે કંઈ કર્યું નથી અને તેઓ હંમેશા યુવાનો-મહિલાઓ આગળ આવે તેનો વિરોધ કરતા આવ્યા છે.” તેમણે મૂળ સંમેલન ૧૪ જૂનનું હોવાનો દાવો કર્યો છે.
બીજી તરફ, ૨૧ જૂનના રોજ દિલ્હીમાં વિરેન્દ્ર કશ્યપના અધ્યક્ષ સ્થાને બીજું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે, જેને રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરા સોલંકીએ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. કોળી સમાજના યુવા પ્રમુખ દિવ્યેશ ચાવડાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, “અમારો કાર્યક્રમ ડિસેમ્બરથી નક્કી હતો. પાંચ વર્ષ પહેલા રાષ્ટ્રીય કારોબારીએ અજીતભાઈને પ્રમુખ ચુંટ્યા હતા, પણ કુંવરજીભાઈએ પોતે પ્રમુખ હોવાનો દાવો શરૂ કર્યો. કુંવરજીભાઈને ડર છે કે અમારું સંમેલન સફળ જશે તો કોઈ તેમનું નહીં સાંભળે, એટલે તેમણે ઉતાવળે ૧૪ જૂનનું સંમેલન રાખ્યું છે.” હીરા સોલંકીના નેતૃત્વમાં ગુજરાતમાંથી ૩૦૦થી વધુ લોકો આ સંમેલનમાં ભાગ લેવા દિલ્હી જવાના છે.
સર્વોચ્ચ પદની હોડ: દેશભરમાં અંદાજે ૨૫ કરોડની વસ્તી ધરાવતા કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પદ પર જે વ્યક્તિ રહે છે, તેને તમામ રાજકીય પક્ષો મોટું સન્માન અને મહત્વનું પદ આપે છે. આથી, આ લડાઈ સમાજ હિતની ઓછી અને ‘પોતાને સમાજથી મોટા’ સાબિત કરવાની વધારે હોવાની ચર્ચા છે.
૮૦% હોદ્દેદારો ભાજપમાં: સમાજના અગ્રણી પ્રવીણ કોળીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, આ સંગઠનના વર્તમાન અને પૂર્વ હોદ્દેદારોમાંથી ૮૦% થી વધુ લોકો ભાજપ સાથે જોડાયેલા છે.
સમાજ દુવિધામાં: એકતરફ ગુજરાતમાં કોળી સમાજના લોકો પર પ્રતાડના (અત્યાચાર)ના બનાવો વધી રહ્યા છે, ત્યારે સમાજને એકજૂટ કરવાને બદલે નેતાઓ ભાગલા પાડી રહ્યા છે. સાત દિવસમાં બે અલગ સંમેલનો થવાથી સામાન્ય સમાજ ભારે મૂંઝવણમાં છે કે કયા અધિવેશનમાં જવું અને કયામાં નહીં.
તું હમસે કિનારા કર લે, હમ તો બુરે લોગ હૈ… હીરાલાલનો વિડીયો વાયરલ થયો અને કોલ્ડવોર થઇ જાહેર !
આ વિવાદ વચ્ચે દાહરસભ્ય હીરાભાઈ સોલંકીનો વિરેન્દ્ર કશ્યપ સાથેનો એક શાયરીવાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, “તેરે દિન અચ્છે હૈ, તું હમસે કિનારા કર લે, હમ તો બુરે લોગ હૈ, બુરે વક્ત મેં ભી કામ આયેંગે.” હીરાલાલનો આ વીડિયો સામે આવ્યા બાદ મંત્રી કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચેની કથિત ‘કોલ્ડવોર’ જગજાહેર થઈ ગઈ છે.


