ગુજરાતભરમાં કડક સુરક્ષા વચ્ચે યોજાયેલી લોકરક્ષક દળ (LRD)ની લેખિત પરીક્ષા દરમિયાન ભાવનગર શહેરમાંથી ગેરરીતિનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વિદ્યાનગર રોડ પર આવેલી ‘વિશુદ્ધાનંદ વિદ્યા મંદિર’ સ્કૂલના કેન્દ્ર પર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામનો રાહુલ પ્રહલાદભાઈ વિરગામા (ઉં.વ. ૨૩) નામનો પરીક્ષાર્થી પ્રતિબંધ હોવા છતાં મોબાઈલ ફોન સાથે વર્ગખંડ સુધી પહોંચી ગયો હતો.
પરીક્ષા ચાલુ હતી ત્યારે રાહુલ ક્લાસરૂમમાંથી ટોઇલેટ જવા માટે બહાર નીકળ્યો હતો. આ સમયે તેની હિલચાલ અને વર્તન શંકાસ્પદ જણાતાં ત્યાં હાજર સુપરવાઇઝરે તેને રસ્તામાં જ અટકાવી કડક તલાશી લીધી હતી. તેના ખિસ્સામાંથી એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવતાં પરીક્ષા હોલમાં સન્નાટો વ્યાપી ગયો હતો. મોબાઇલ ઝડપાયા બાદ કેન્દ્રના મુખ્ય સુપરવાઇઝરે તાત્કાલિક નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિદ્યાર્થી વિરૂદ્ધ નવા કાયદાની કલમ BNS ૩૧૮(૨) તેમજ ‘ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ’ની કલમ ૩, ૪ અને ૧૨(૧) મુજબ ગુનો નોંધી યુવકની અટકાયત કરી લીધી છે.



