આસામના જોરહટ વિસ્તારમાં સર્જાયેલી એક કરુણ વિમાન દુર્ઘટનામાં દેશની રક્ષા કાજે પ્રાણ ગુમાવનાર ભારતીય સેનાના જવાનોને પ્રખ્યાત કથાકાર મોરારિબાપુએ ઊંડા સદભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ આકસ્મિક દુર્ઘટના અંગે મોરારિબાપુએ ભારે દુઃખ વ્યક્ત કરીને શહીદ સૈનિકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના પ્રકટ કરી છે.
ભારતીય સેનાના જોરહટ સ્થિત હવાઈમથક પર વિમાન તૂટી પડતાં સર્જાયેલા આ અકસ્માતમાં સેનાના ૫ જાબાંજ સૈનિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. મોરારિબાપુ દ્વારા આ તમામ શહીદોના પરિવારોને મદદરૂપ થવા અને સંવેદના રૂપે આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રત્યેક સૈનિકના પરિવારને રૂપિયા ૨૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૧,૨૫,૦૦૦ની સહાય અર્પણ કરવામાં આવશે. આ સહાયની રાશિ સેનાના હવાઈદળ અંતર્ગતના ભંડોળમાં સીધી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. બાપુએ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે.





