ભાવનગર મહાનગરપાલિકાના આવાસ વિભાગની અક્ષમ્ય આળસ અને ઢીલી નીતિના કારણે ઘોઘારોડ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મેળવવાનું સેંકડો મધ્યમવર્ગીય પરિવારોનું સપનું રોળાયું છે. ટી.પી. સ્કીમ નં. ૦૩, રુવા, ફાઇનલ પ્લોટ નં. ૯૮ (ફાતીમા કોન્વેન્ટની પાછળ) ખાતે બની રહેલા ૨૪૮૯-ઈડબલ્યુએસ-૧ આવાસ યોજનાના લાભાર્થીઓને હજુ સુધી મકાનો સોંપવામાં ન આવતા પાલિકા તંત્ર સામે જનરોષ ફાટી નીકળ્યો છે.
આ યોજના અંતર્ગત ગત ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ મનપા દ્વારા કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરીને મકાનોની ફાળવણી કરવામાં આવી હતી. તમામ નિયત લાભાર્થીઓએ આવાસની નિયત કુલ રકમ રૂ. ૩ લાખ તેમજ મેઇન્ટેનન્સ ડિપોઝીટની રકમ પણ મહાનગરપાલિકામાં સમયસર અને નિયમિતપણે જમા કરાવી દીધી હતી. આમ છતાં, નાણાં ઉઘરાવ્યાને અને ડ્રો થયાને આજે આશરે ૦૭ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં યોજનાનું બાંધકામ પૂર્ણ કરી પઝેશન આપવામાં આવ્યું નથી.
એકતરફ મોંઘવારી અને બીજી તરફ મકાન ભાડાના બેવડા આર્થિક બોજ હેઠળ દબાતા કચવાટ અનુભવતા લાભાર્થીઓએ આખરે કમિશનર કચેરીના દ્વાર ખખડાવ્યા છે. તાજેતરમાં જ પીડિતોના એક પ્રતિનિધિ મંડળે મહાપાલિકાના કમિશનરને રૂબરૂ મળીને તત્કાલ યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરી છે. લાભાર્થીઓએ આટલા વર્ષોના વિલંબના કારણે થયેલા આર્થિક નુકસાનનું વળતર આપવાની ન્યાયિક માંગ પણ કરી છે. જો મનપા વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે આવાસોની સોંપણી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં પાલિકા સામે ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.






