બગદાણા સ્મશાનવાળા મેલડી માતાના મંદિરમાંથી ચાંદીના છતરોની ચોરી કરનાર આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ ચાલુ હતી, તે દરમિયાન કોન્સ્ટેબલ સંજયભાઈ મેરને બાતમી મળી હતી કે આરોપી ખારી ગામ તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ગોપાલભાઈ ભરતભાઈ રાઠોડ (ઉં.વ. ૨૦, રહે. શિહોર) ને દબોચી લીધો હતો.આરોપીએ પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી છે. પોલીસે તેની પાસેથી ૮,૦૦૦/- ની કિંમતના ચોરી થયેલા ચાંદીના ૭ નંગ નાના-મોટા છતરો રિકવર કર્યા છે. આ સફળ કામગીરીમાં પી.એમ.રાઠોડ, અજયસિંહ, સંજયભાઈ ઉકાભાઈ, ધનસુખભાઈ અને કૃષ્ણદેવસિંહ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.






