ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચએ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મહિલા કોલેજથી ગીતા ચોક જતા રસ્તે ડોક્ટર હોલની દીવાલ પાસે પાર્ક કરેલી એક ગ્રે કલરની સ્વીફ્ટ ડિઝાયર કાર (ય્ત્ન-૧૪-છદ્ભ-૮૫૩૫)માં વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો છે.
પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચીને કારમાં તપાસ કરતા પાછળની સીટ અને ડેકીમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી ‘ગ્રીન લેબલ વ્હીસ્કી’ની ૮૬૪ બોટલો કિં.રૂ. ૧,૦૮,૦૦૦, ‘૮ પીએમ સ્પેશિયલ’ની ૨૮૮ બોટલો કિં.રૂ. ૩૬,૦૦૦ અને ‘કિંગફિશર બિયર’ના ૭૨ ટીન કિં.રૂ. ૧૦,૦૮૦ મળીને કુલ રૂ. ૧,૫૪,૦૮૦નો દારૂઅને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસે તપાસ કરતા કારમાંથી આડોડિયાવાસના પ્રદીપ આકાશભાઇ રાઠોડના નામની આરસી બુક મળી આવી હતી. આથી ઈંગ્લીશ-બિયર દારૂ અને રૂ. ૨.૫૦ લાખની કાર સહિત કુલ રૂ. ૪,૦૪,૦૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કાર માલિક રેડ દરમિયાન હાજર ન હોવાથીતેની સામે ઘોઘારોડ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






