ભાવનગર શહેરમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે તિલકનગર દેવીપૂજક વાસ, આડોડિયાવાસ પાસે અજય ઉર્ફે લલ્લો બહાદુરભાઇ ગાગડેકર નામનો શખ્સ રિક્ષામાં વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે ગુરુવારે રાત્રે છાપો માર્યો હતો.
પોલીસને આવતી જોઈને આરોપી અજય પોતાની રિક્ષા અને દારૂના બોક્સ ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે રિક્ષા પાસેથી ૬ પૂંઠાના બોક્સ કબ્જે કર્યા હતા, જેમાં ‘પાર્ટી સ્પેશિયલ ગોલ્ડ પ્રીમિયમ વ્હીસ્કી’ની ૧૮૦ એમ.એલ.ની કુલ ૨૮૮ બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. ૩૪,૫૬૦ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. હાલ ફરાર આરોપી અજય ઉર્ફે લલ્લા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધી તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.





