ભાવનગર રેન્જ આઈ.જી.રાજેન્દ્ર અસારી અને બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ એલસીબીના પોલીસ સ્ટાફે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે બે મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી સોનાની ચેન, કાર સહીત મુદામાલ જપ્ત કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલા આરોપીઓમાં દેવેન દિલીપ કાચા, ડેનીસ અલ્પેશ સાવલિયા, નિકીતાબેન અલ્પેશ સાવલિયા અને વૈશાલીબેન દેવેન કાચાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ રાજકોટ શહેરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે..પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચારેય આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઈન, ચાર મોબાઈલ ફોન અને મહિન્દ્રા XUV કાર સહિત કુલ રૂ. 11,06,350નો મુદ્દામાલ કબજે કર્યો છે.પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓ ફોરવ્હીલર કારમાં ભીડભાડવાળા વિસ્તારોમાં પહોંચીને ખાસ કરીને સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવતા હતા. તેઓ નજર ચૂકવીને તેમની પાસેથી સોનાના દાગીનાની ચોરીને અંજામ આપતા હતા. બોટાદ એલસીબી હાલ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.




