ઉમરાળા તાલુકાના ધોળા ગામે પશ્ચિમામ્નાય શારદાપીઠાધીશ્વર,અનંત વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ ના પાવન આગમનથી સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ગામના આગેવાનો અને ભાવિકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
જગતગુરુ શંકરાચાર્યજીએ સૌપ્રથમ ગંગનાથ મહાદેવ મંદિરે દર્શન-પૂજન કરી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં તેમણે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધતાં ધર્મ, ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા, સદાચાર અને માનવજીવનના મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સમાજમાં સંસ્કારોના સંવર્ધન, આધ્યાત્મિક જીવન અને માનવસેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો જગતગુરુના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ધોળા સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહના માહોલમાં સંપન્ન થયો હતો.






