અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કૂટનીતિ અને વાટાઘાટો માટે સૈન્ય હુમલા અટકાવવાના નિર્ણયના થોડા જ દિવસો બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ જોર્ડન સ્થિત યુએસ સૈન્ય બેઝ પર અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડીને મોટો હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ આ ઘટનાને અચાનક કરવામાં આવેલો હુમલો ગણાવ્યો છે. કમાન્ડ મુજબ, મંગળવારે સાંજે 5:45 વાગ્યે છોડવામાં આવેલી તમામ મિસાઈલોને હવામાં જ સફળતાપૂર્વક ઈન્ટરસેપ્ટ (રોકી) કરવામાં આવી છે. આ ઘટનામાં હાલ કોઈ જાનહાની કે મોટા નુકસાનના અહેવાલ નથી. નોંધનીય છે કે, આ એ જ જોર્ડન બેઝ છે જ્યાં ચાલુ મહિનાની શરૂઆતમાં થયેલા હુમલામાં 2 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા, જેના જવાબમાં ટ્રમ્પે 13 રાતો સુધી સતત જવાબી હુમલા કર્યા હતા.
આ હુમલો વાશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ વચ્ચે વ્હાઈટ હાઉસમાં થયેલી મહત્વપૂર્ણ બેઠકના થોડા જ કલાકો બાદ થયો છે. આ બેઠક એક દિવસ પહેલા જ ટ્રમ્પે દાવો કર્યો હતો કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સારી વાતચીત થઈ રહી છે અને કરારની શક્યતાઓ છે, પરંતુ જો વાટાઘાટો નિષ્ફળ જશે તો અમેરિકા ફરી સૈન્ય કાર્યવાહી શરૂ કરશે.






