ભાવનગર શહેર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંઘાલના માર્ગદર્શન હેઠળ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર શહેર ડીવીઝન હેઠળ આવતા નિલમબાગ, ઘોઘા રોડ, ગંગાજળીયા, બોરતળાવ અને ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર ફ્રોડ, ચોરી, ગુમ કે ખોવાયેલા મોબાઇલ તથા છેતરપિંડીના ગુન્હાઓમાં પોલીસ તપાસ દરમિયાન કબ્જે કરાયેલો રૂ. ૧,૯૦,૩૯,૧૨૫/- ની કિંમતનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને વિધિવત રીતે પરત કરવા માટે ભાવનગર તાલીમ કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પોલીસ દ્વારા સાયબર ફ્રોડ, ચોરી તથા છેતરપિંડીના રૂ. ૭૬,૩૦,૩૨૨/- રોકડા, રૂ. ૪૩,૯૯,૯૮૪/- ની કિંમતના સોના-ચાંદીના દાગીના, રૂ. ૯,૫૬,૩૬૨/- ની કિંમતના ૪૪ નંગ મોબાઇલ, રૂ. ૮,૪૦,૦૦૦/- ની કિંમતના ૧૩ નંગ બાઇક તેમજ રોકડ, હીરા અને અન્ય કિંમતી વસ્તુઓ મળી રૂ. ૫૨,૧૨,૪૫૭/- નો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપાયો હતો. પોલીસ સ્ટેશન વાઇઝ વિગત જોઈએ તો, નિલમબાગનો રૂ. ૫૧.૮૯ લાખ, ઘોઘા રોડનો રૂ. ૪૬.૦૧ લાખ, ગંગાજળીયાનો રૂ. ૪.૪૧ લાખ, બોરતળાવનો રૂ. ૭૪.૫૩ લાખ અને ભરતનગરનો રૂ. ૧૩.૫૩ લાખનો મુદ્દામાલ પરત કરાયો હતો. આ કાર્યક્રમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



