આજથી નવા મહિનાની શરૂઆત સાથે જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે. 01 સપ્ટેમ્બર 2026થી દેશભરમાં 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો છે. જોકે, સામાન્ય પરિવારો અને ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે 14.2 કિલોવાળા ઘરેલુ રાંધણગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરાયેલા નવા દરો મુજબ, 19 કિલોગ્રામ ધરાવતા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹9.50 પ્રતિ સિલિન્ડર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ, હોટેલ અને નાના વેપારીઓ માટે આ વધારાને કારણે સંચાલન ખર્ચમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે.





