કિર્ગિસ્તાનના પાટનગર બિશ્કેકમાં આયોજિત 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન વૈશ્વિક શાંતિ, રશિયા-યુક્રેન યુદ્ધ, આર્થિક ભાગીદારી અને સાંસ્કૃતિક સંબંધો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
દ્વિપક્ષીય વાર્તાની શરૂઆતમાં જ વડાપ્રધાન મોદીએ યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, મારા મિત્ર, આપને મળીને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. ગયા વર્ષે આપની ભારત યાત્રા ખૂબ જ સફળ અને યાદગાર રહી હતી. ખાસ કરીને રશિયાના વ્યાવસાયિક જગતને લઈને આપ ભારત આવ્યા હતા. આર્થિક સંબંધોને નવી ઊંચાઈ અને વધુ વિસ્તાર આપવાનું કામ પણ આપણી ચર્ચામાં થયું હતું. મને ખુશી છે કે આપણી ચર્ચાનું જે પરિણામ આવ્યું છે તેને અમલમાં મૂકવા માટે આપણી બંને ટીમો સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. યુક્રેનના વિષય પર પણ આપણે સતત ચર્ચા કરતા રહ્યા છીએ. ભારત શાંતિના તમામ પ્રયાસોનું સમર્થન કરે છે અને ભવિષ્યમાં પણ કરતું રહેશે. યુદ્ધમાં વિતાવેલો એક-એક દિવસ માનવતાને પાછળ ધકેલે છે અને શાંતિ તરફ આગળ વધેલું એક-એક પગલું નવી આશા અને ઉમંગ ભરી દે છે. ગાંધી અને બુદ્ધની ધરતીનો એક જ સંદેશ છે – શાંતિનો માર્ગ.
પીએમ મોદીએ નવી દિલ્હીમાં યોજાનારી આગામી બ્રિક્સ સમિટ માટે પ્રમુખ પુતિનને આમંત્રણ આપતાં જણાવ્યું કે સમગ્ર ભારત તેમનું સ્વાગત કરવા આતુર છે.બિશ્કેક યાત્રા દરમિયાન વધુ એક રસપ્રદ દૃશ્ય સામે આવ્યું હતું. પીએમ મોદી અને પુતિન એક જ કારમાં સવાર થઈને ‘છઠ્ઠા વર્લ્ડ નોમેડ ગેમ્સ 2026’ ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા બિશ્કેક એરિના પહોંચ્યા હતા.ભારતનું 87 સભ્યોનું પ્રતિનિધિમંડળ સામેલ છે, જેમાં 73 ખેલાડીઓ, 10 સાંસ્કૃતિક પ્રતિનિધિઓ અને 4 વૈજ્ઞાનિક સહભાગીઓ સામેલ છે.






