ભારતમાં ડિજિટલ પેમેન્ટ હવે લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે. ચાની દુકાન હોય, શાકભાજીની લારી હોય કે કરિયાણાની દુકાન, દરેક જગ્યાએ QR કોડ દ્વારા ચુકવણી સામાન્ય બાબત છે. પરંતુ હવે એક એવી ડેડલાઇન સામે આવી છે, જેણે લાખો નાના વેપારીઓ અને તેમના ગ્રાહકોની ચિંતા વધારી દીધી છે.
RBIના નિયમો હેઠળ મર્ચન્ટ્સ માટે રી-કેવાયસી (Re-KYC) પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે. જો નાના વેપારીઓનું વેરિફિકેશન નિર્ધારિત સમય સુધીમાં પૂર્ણ નહીં થાય, તો તેમના QR કોડ આધારિત ચુકવણીઓ પ્રભાવિત થઈ શકે છે.રિઝર્વ બેંકના નિયમો અનુસાર મર્ચન્ટ્સને સમયાંતરે તેમની KYC માહિતી અપડેટ કરવી પડે છે. હાલની સમય મર્યાદા હેઠળ 15 સપ્ટેમ્બર સુધીમાં રી-કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે. પેમેન્ટ એગ્રીગેટર અને ફિનટેક કંપનીઓનું કહેવું છે કે લાખો નાના વેપારીઓનું વેરિફિકેશન હજુ બાકી છે. આ જ કારણોસર ઇન્ડસ્ટ્રીએ RBIને સમયમર્યાદા વધારવાની માગ પણ કરી છે.
સામાન્ય લોકો પર શું અસર પડી શકે છે?
જો કોઈ દુકાનદારનું રી-કેવાયસી સમયસર પૂર્ણ ન થાય અને તેનો QR કોડ પ્રભાવિત થઈ શકે છે અને ગ્રાહકોને ચુકવણીમાં મુશ્કેલી પડી શકે છે. માની લો કે તમે શાકભાજી ખરીદવા પહોંચ્યા અને દુકાનદારનો QR કોડ કામ નથી કરી રહ્યો. આવી સ્થિતિમાં UPI દ્વારા ચુકવણી શક્ય નહીં બને. ત્યારે તમારે રોકડ ચુકવણી કરવી પડી શકે છે અથવા સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા જેવા વિકલ્પો અપનાવવા પડી શકે છે. જોકે, તેની અસર સમગ્ર દેશમાં એકસરખી નહીં હોય. નિષ્ણાતોનું માનવું છે કે નાના વેપારીઓ અને લારી-ગલ્લાવાળા વિક્રેતાઓના વિસ્તારોમાં મુશ્કેલી વધુ જોવા મળી શકે છે.
કેટલા વેપારીઓ પ્રભાવિત થઈ શકે છે?
એક અંદાજ મુજબ, પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે. લગભગ 30 થી 35 ટકા નાના અને લારી-ગલ્લાવાળા વિક્રેતાઓ આ સમય મર્યાદાથી પ્રભાવિત થઈ શકે છે. જ્યારે લગભગ 10 લાખ નાના વેપારીઓને જોખમના દાયરામાં માનવામાં આવી રહ્યા છે. અંદાજ છે કે નિર્ધારિત સમય સુધીમાં લગભગ 80 ટકા વેરિફિકેશન જ પૂર્ણ થઈ શકશે. આ જ કારણ છે કે પેમેન્ટ કંપનીઓ RBI પાસેથી વધારાનો સમય આપવાની માગ કરી રહી છે. આ સમગ્ર મામલે સૌથી મહત્વની વાત એ છે કે તેનાથી દેશની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બંધ નહીં થાય. ભારતમાં દર મહિને અબજો UPI ટ્રાન્ઝેક્શન થાય છે અને મોટા વેપારીઓની ચુકવણી સિસ્ટમ સામાન્ય રીતે ચાલુ રહેશે. ચિંતા મુખ્યત્વે તે નાના વેપારીઓને લઈને છે, જેમનો વ્યવસાય QR કોડ આધારિત ચુકવણી પર મોટાભાગે નિર્ભર છે. જો આવા વેપારીઓના QR કોડ પ્રભાવિત થાય છે, તો તેમના વેચાણ અને ગ્રાહકોની સુવિધા બંને પર અસર પડી શકે છે.






