બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ્સના લીધે બે હજાર ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા ગુજરાતીઓ અને સંખ્યાબંધ ભારતીયો સહિત હજારો પેસેન્જરો બ્રિટનના ૧૫ એરપોર્ટ પર અટવાઈ ગયા છે. બ્રિટિશ એરપોર્ટો પર જાણે શાક માર્કેટથી પણ વધારે ભીડ હોય અને જાણે કોઈ આફ્રિકન દેશના વિમાનીમથક પર આવી ગયા હોય તેવી અંધાધૂંધી સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે.
એરપોર્ટ વિલંબિત ફ્લાઇટ્સનો જંગી બેકલોગ ક્લિયર કરવામાં લાગેલા છે, તેના લીધે સંખ્યાબંધ ફ્લાઇટ્સમાં વિલંબ થઈ રહ્યો છે અને વધુને વધુ લોકો કનેક્ટિંગ ફ્લાઇટ છૂટતા વિવિધ એરપોર્ટ પર મોટા પાયા પર ભીડ જોવા મળી રહી છે. એક બ્રિટિશ મહિલાને ગેટવિક એરપોર્ટ પર ઉતરવાનું હતું, તેના માટે તેણે ત્રણ કલાક સુધી રયાન એરની ફ્લાઇટમાં બેસેલા રહેવું પડયું હતું. ઘણાએ તો એરપોર્ટ પરથી બહાર નીકળવાના સંઘર્ષની તુલનાએ અલ્કાટ્રાઝ ટાપુ પરની કુખ્યાત જેલમાંથી બહાર આવવા સાથે કરી હતી. અલ્કાટ્રાઝ કેલિફોર્નિયાની સાનફ્રાન્સિસ્કોની ખાડીમાં આવેલો ટાપુ છે, જ્યાં લશ્કરી કિલ્લેબંધી જેવી કુખ્યાત જેલ છે. લંડનના હીથ્રો એરપોર્ટ પરથી તો ડિપાર્ચર શરૂ થયુ છે, પરંતુ મંગળવારની રાત માટે એરાઇવલ રદ કરવામાં આવ્યું હતું.
બ્રિટિશ એરવેઝે જણાવ્યું હતું કે તેની ૧૦૦થી વધુ ફ્લાઇટ્સ ક્યાં તો રદ કરવાની કે ક્યાં તો બીજે વાળવાની ફરજ પડી છે. રયાન એરે જણાવ્યું હતું કે તેની ૫૦થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે અને અત્યાર સુધીમાં તેના ૬૫ હજારથી વધુ પ્રવાસીઓને અસર થઈ ચૂકી છે. બજેટ એરલાઇન્સ ઇઝીજેટે જણાવ્યું હતું કે તેમની કેટલીક ફ્લાઇટ ટેકઓફ જ કરી શકી નથી. એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમની નિષ્ફળતાના લીધે આખા યુરોપની ફ્લાઇટ પર અસર પડી છે. બ્રિટનના અસર પામેલા એરપોર્ટમાં લંડન ઉપરાંત માંચેસ્ટર, બર્મિંઘમ, ગેટવિક અને સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે. એર ટ્રાફિક કંટ્રોલ બોસે યુકેના એરપોર્ટ પર સાઇબર હુમલાની સંભાવના નકારી કાઢી હતી. યુકેના સૌથી વ્યસ્ત એરપોર્ટ હીથ્રો, ગેટવિક, સ્ટેનસ્ટેડ, લ્યુટન અને માંચેસ્ટરમાં ફ્લાઇટ્સ મોટાપાયા પર રદ થઈ છે અથવા તો વિલંબ થયો છે.





