હાલના નિયમ મુજબ, ચોક્કસ પરિસ્થિતિમાં H-1B વિઝાધારકની નોકરી સમાપ્ત થાય ત્યારબાદ તેને 60 દિવસનો ગ્રેસ પિરિયડ મળે છે. આ સમય દરમિયાન કર્મચારી નવી નોકરી અથવા નવા સ્પોન્સર શોધી શકે છે અને અમેરિકામાં પોતાની કાનૂની સ્થિતિ જાળવી રાખવા માટે જરૂરી પ્રક્રિયા કરી શકે છે. પરંતુ અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં આ ગ્રેસ પિરિયડ દૂર કરવાની વાત કરવામાં આવી છે. જો પ્રસ્તાવ અમલમાં આવે તો નોકરી પૂરી થયા બાદ H-1B કર્મચારી માટે અમેરિકામાં નવી નોકરી શોધવા માટે હાલમાં મળતો વધારાનો સમય ઉપલબ્ધ નહીં રહે.
H-1B વિઝા અમેરિકાની ટેક્નોલોજી અને અન્ય સ્પેશિયાલિટી ક્ષેત્રોમાં વિદેશી કુશળ કર્મચારીઓ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ભારત અને ચીનના પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં આ વિઝા દ્વારા અમેરિકામાં કામ કરે છે. TCS, Infosys, HCLTech અને LTIMindtree જેવી ભારતીય IT કંપનીઓ ઉપરાંત Deloitte, PwC અને EY જેવી કંપનીઓ પણ H-1B વિઝાના મોટા સ્પોન્સર્સમાં સામેલ છે. આથી જો 60 દિવસનો ગ્રેસ પિરિયડ દૂર કરવામાં આવે તો નોકરી ગુમાવનારા ભારતીય IT પ્રોફેશનલ્સ માટે નવી નોકરી શોધવાની પ્રક્રિયા વધુ મુશ્કેલ અને સમય મર્યાદિત બની શકે છે.
60 દિવસનો ગ્રેસ પિરિયડ વર્ષ 2017થી અમલમાં છે. તેનો હેતુ વિદેશી કર્મચારીઓને નોકરી ગુમાવ્યા બાદ નવી નોકરી શોધવા અથવા અમેરિકા છોડવા માટે જરૂરી વ્યવસ્થા કરવાનો સમય આપવાનો છે. આ સમય દરમિયાન કર્મચારી નવી નોકરી શોધવાની સાથે પોતાના પરિવાર, રહેઠાણ અને અન્ય વ્યક્તિગત બાબતોનું પણ આયોજન કરી શકે છે.
શું નોકરી જતાં જ તરત અમેરિકા છોડવું પડશે? આ પ્રસ્તાવનો મૂળ હેતુ નોકરી સમાપ્ત થયા બાદ મળતા હાલના 60 દિવસના ગ્રેસ પિરિયડને દૂર કરવાનો છે. જોકે, આ સમયે તેને અંતિમ નિયમ તરીકે ગણવો યોગ્ય નથી. DHSના પ્રસ્તાવ પર જાહેર જનતા અને સંબંધિત પક્ષકારો પાસેથી આશરે બે મહિનાનો પબ્લિક કોમેન્ટ પિરિયડ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ સરકાર મળેલા અભિપ્રાયો પર વિચાર કરીને અંતિમ નિયમ જાહેર કરી શકે છે. આથી હાલમાં H-1B વિઝાધારકોએ નિયમ તરત બદલાઈ ગયો હોવાનું માનવાને બદલે અંતિમ સરકારી નિર્ણયની રાહ જોવી જરૂરી છે.






