અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઇરાન પર પ્રતિબંધો વધુ આકરા બનાવતા એક મહત્ત્વપૂર્ણ કાયદા પર હસ્તાક્ષર કરી દીધા છે. આ નવા કાયદા હેઠળ રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદનારા દેશો, ખાસ કરીને ભારત અને ચીન પર 100 ટકા સુધીનો ભારે ટેરિફ લાદવાનો આત્યંતિક અધિકાર અમેરિકન પ્રમુખને પ્રાપ્ત થયો છે.
વ્હાઇટ હાઉસ દ્વારા શુક્રવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘લિન્ડસે ઓ. ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઇરાન એક્ટ ઓફ 2026’ પર સહી કરી દીધી છે. બુધવારે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. આ કાયદા હેઠળ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો અને ટેરિફ લાદવાની સાથે ઇરાન પરના અગાઉના પ્રતિબંધોને પણ વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે.
આ કાયદો ખાસ કરીને રશિયન ઊર્જાના સૌથી મોટા ખરીદદારોને લક્ષ્યમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જો પ્રમુખ ટ્રમ્પ ભારત પર 100 ટકા ટેરિફ લાદવાનો આખરી નિર્ણય લે છે, તો અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનોની કિંમતોમાં જંગી વધારો થશે. આનાથી અમેરિકામાં નિકાસ કરતા ભારતીય વેપારીઓ અને નિકાસકારો પર ભારે આર્થિક દબાણ આવી શકે છે. કયા દેશ પર કેટલો ટેરિફ લાદવો તેનો આખરી નિર્ણય પ્રમુખ ટ્રમ્પ પોતે કરશે.





