સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત જાહેર ક્ષેત્રની બેંકોમાં ખાતું ધરાવતા કરોડો ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે, જેને કારણે સેંકડો ગ્રાહકોને આવતા અઠવાડિયે મોટો આંચકો લાગી શકે છે. બેંક કર્મચારીઓના સૌથી મોટા સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. વીકએન્ડની રજાઓ અને હડતાળ એકસાથે આવી જતાં 26મી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર, 2026 સુધી સતત પાંચ દિવસ માટે બેંક શાખાઓમાં કામકાજ સંપૂર્ણપણે પ્રભાવિત રહેશે. શાખાઓ બંધ રહેવાના કારણે સામાન્ય જનજીવન અને વેપારી વ્યવહારો ખોરવાય નહીં તે માટે સ્ટેટ બેંકે સત્તાવાર એડવાઇઝરી જારી કરીને ગ્રાહકોને સમયસર તમામ નાણાકીય કામો પતાવી લેવા ચેતવણી આપી છે.
તા.26 અને 27 જાહેર રજા અને 28થી 30મી સપ્ટેમ્બર યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળ જાહેર કરવામાં આવી છે. આ રીતે શનિવારથી બુધવાર સુધી સતત પાંચ દિવસ શાખા સ્તરે ચેક ક્લિયરિંગ, કેશ ડિપોઝિટ અને પાસબુક પ્રિન્ટિંગ જેવી તમામ કાઉન્ટર સેવાઓ ઠપ થઈ શકે છે. બેંક દ્વારા જારી કરાયેલી જાહેર અપીલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા 28થી 30મી સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય હડતાળનો પ્રસ્તાવ છે. અમે જરૂરી સેવાઓ જાળવી રાખવા માટે શક્ય તમામ વહીવટી પ્રયાસો કરી રહ્યા છીએ, તેમ છતાં ગ્રાહકોને અપીલ છે કે તેઓ પોતાના અતિ મહત્વપૂર્ણ બેંકિંગ વ્યવહારો હડતાળ શરૂ થાય તે પહેલાં જ પતાવી લે.
રોકડ અને ડિજિટલ વ્યવહારો માટે શું વ્યવસ્થા રહેશે?: રોકડ ઉપાડવા કે જમા કરાવવા માટે એટીએમ (ATM) અને ઓટોમેટેડ ડિપોઝિટ એન્ડ વિડ્રોઅલ મશીનો (ADWM) કાર્યરત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, સતત પાંચ દિવસ રજા હોવાથી એટીએમમાં રોકડની અછત સર્જાઈ શકે છે, તેથી અગાઉથી કેશ ઉપાડી લેવી હિતાવહ છે.






