વિશ્વના અગ્રણી દેશોના સમૂહ G7એ વૈશ્વિક બજારમાં બળતણના સતત વધતા ભાવને અંકુશમાં લેવા અને પુરવઠો જાળવી રાખવા માટે એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે. G7 દેશો પોતાના કટોકટીના અનામત ભંડાર (ઇમરજન્સી રિઝર્વ)માંથી આશરે 10 કરોડ (100 મિલિયન) બેરલ ક્રૂડ ઓઇલ અને ડીઝલ બજારમાં છોડવા માટે સંમત થયા છે. આ ઉપરાંત તમામ સભ્ય દેશોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જાની નિકાસ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન લાદવાની ખાતરી પણ આપી છે.
આ વ્યાપક નિર્ણય પાછળ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારે રાજકીય અને આર્થિક દબાણ કામ કરી ગયું હોવાનું માનવામાં આવે છે. આગામી નવેમ્બર માસમાં યોજાનારી મિડટર્મ ચૂંટણીઓ પહેલાં અમેરિકામાં પેટ્રોલ-ડીઝલના ભાવ કાબૂમાં લાવવા ટ્રમ્પ પ્રશાસન આક્રમક વલણ અપનાવી રહ્યું છે. ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU)ને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તેઓ પોતાના ઇમરજન્સી ડીઝલ ભંડારમાંથી પુરવઠો ખુલ્લો નહીં કરે, તો અમેરિકા યુરોપ તરફ થતી ડીઝલની નિકાસ પર સંપૂર્ણ બ્રેક લગાવી દેશે. યુરોપ હાલમાં અમેરિકી ડીઝલ પર વધુ નિર્ભર હોવાથી તેના પર આર્થિક સંકટ ઘેરાવાનો ભય હતો, જેના કારણે અંતે G7 દેશોને નમતું જોખવું પડ્યું હતું.
————————–






