દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 માં કેપ્ટન પર ચપ્પુ વડે હુમલો કરી પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કરનારા કો-પાઈલટ અંગે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ઘટનાના ત્રણ દિવસ બાદ હુમલાખોર કો-પાઈલટની ઓળખ હમામ અલ-હમ્મામી તરીકે થઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હમામ અલ-હમ્મામી કટ્ટરપંથી વિચારધારા ધરાવતો હતો અને તેની આ માનસિકતાના કારણે જ ઓમાને અગાઉથી તેના વિમાન ઉડાડવા પર પ્રતિબંધ (બેન) મૂકી દીધો હતો. તેમ છતાં ફ્લાયદુબઈ એરલાઈન્સે તેને નોકરી પર રાખીને UAE અને ઈઝરાયેલ જેવા અત્યંત સંવેદનશીલ રૂટ પર વિમાન ઉડાડવાની જવાબદારી સોંપી દીધી હતી.
બુધવારે બનેલી આ ઘટના બાદ ગુરુવારે સાઉદી અરેબિયા દ્વારા શકમંદ કો-પાઈલટને સંયુક્ત અરબ અમિરાત (UAE) ને સોંપવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈઝરાયલની તપાસ એજન્સીઓ અને તપાસકર્તાઓ UAE પહોંચીને આ કટ્ટરપંથી કો-પાઈલટની આકરી પૂછપરછ કરશે.
આ ઘટના પાછળ કોઈ મોટું આતંકી કાવતરું, આંતરરાષ્ટ્રીય ઈશારો કે પૂર્વ આયોજિત પ્લાન હતો કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. UAE ના વિદેશ મંત્રાલય અને સત્તાવાર એજન્સીઓએ આ ઘટનાની તપાસ ‘ટેરર એક્ટ’ અને ‘સેફ્ટી ઈન્સિડન્ટ’ ના અંક હેઠળ શરૂ કરી દીધી છે.
ઓમાનની ચેતવણી કેમ અવગણના કરાઈ?
આ ઘટના બાદ એરલાઈન ક્ષેત્રે મોટો વિવાદ ઊભો થયો છે. ઓમાને હમામ અલ-હમ્મામીની કટ્ટરપંથી પૃષ્ઠભૂમિને કારણે તેના પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, આ માહિતી અન્ય દેશો કે એરલાઈન્સ સાથે શેર કરાઈ હતી કે કેમ અને ફ્લાયદુબઈએ બેકગ્રાઉન્ડ વેરિફિકેશન વિના તેને સંવેદનશીલ રૂટ પર ફ્લાઈટ કેમ સોંપી તે અંગે હવે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
સ્મિત મચ્છરને ઈઝરાયેલ દેશનું સૌથી મોટું સન્માન આપશે : રાજદૂત અજાર
યુએઈના પ્રમુખના વરિષ્ઠ સલાહકાર અનવર ગર્ગશે ફ્લાયદુબઈ વિમાનને હાઈજેક કરવાના પ્રયાસને આતંકી ઘટના ગણાવી અને ભારતીય પાયલટ સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી. તેમણે કહ્યું, સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમની પ્રોફેશનલિઝમ અને નૈતિક સમજ તેમને એક સાચા હીરો બનાવે છે. બીજી બાજુ ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રુવેન અજારે કહ્યું કે, કેપ્ટન સ્મિત મચ્છરે જીવલેણ હુમલા છતાં ૧૭૪ યહૂદીઓના જીવ બચાવ્યા છે અને એક મોટો આતંકી હુમલો ટાળી દીધો. ભારતના આ મહાન હીરોને ઈઝરાયેલ ક્યારેય નહીં ભૂલે. તેમનું અમારા દેશમાં સૌથી મોટા એવોર્ડથી સન્માન કરાશે.






