અમેરિકન પ્રમુખ ટ્રમ્પ મિડ ટર્મ ચૂંટણી પહેલાંજ ઇરાન સાથે તડાફડી કરવાના મૂડમાં લાગે છે. આનો પુરાવો આવતા હોય તેમ અમેરિકાએ મધ્યપૂર્વમાં ત્રીજું એરક્રાફ્ટ કેરિયર અને બીજા નવ હજાર જવાનો ઉતાર્યા છે. આના પગલે મધ્યપૂર્વની સ્થિતિ વધુ વિસ્ફોટક બની ગઈ છે. ટ્રમ્પે ચેતવણી પણ આપી દીધી છે કે ઇરાન પર નવા હુમલા કરવાની તૈયારીમાં જ છે.
ટ્રમ્પને હવે મિડ-ટર્મ ચૂંટણી પહેલાં કંઇક મોટું કરી બતાવવું છે અને હવે તે ઇરાન પર હુમલો કરવા સિવાય શક્ય લાગતું નથી. આમ ટ્રમ્પની એકબાજુએ ઇરાન પર નવા હુમલાની ચેતવણી અને બીજી બાજુએ નવ હજાર જવાનો અને ત્રીજા એરક્રાફ્ટને ત્યાં મોકલવું બધુ સમાંતર થઈ રહ્યુ છે. આ ઘટનાક્રમ બતાવે છે કે હવે ટ્રમ્પ ઇરાન પર હુમલા માટે મિડ ટર્મ ઇલેકશન પૂરું થવા સુધી રાહ જોવા માટે પણ તૈયાર લાગતા નથી. અગાઉ તે મિડ ટર્મ ચૂંટણી પછી હુમલો કરશે તેમ કહેતા હતા, પરંતુ હવે તેના પહેલા પણ હુમલો કરી શકે છે. આ દરમિયાન ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ફ્લાયદુબઈના કો-પાયલોટે હુમલો કરીને ઇઝરાયેલ પર પ્લેન ક્રેશ કરવાનો પ્રયત્ન કર્યો તેમા જો ઇરાન સંડોવાયેલું હોવાની ખબર પડશે તો અમે તેમના પર ક્યારેય ભૂલી ન શકાય તેવો હુમલો કરીશું. તેઓએ ક્યારેય કલ્પ્યો નહીં હોય તેવો હુમલો તેમના પર કરવામાં આવશે.
આ દરમિયાન અમેરિકાના જહાજોનું જૂથ ૭,૦૦૦ ખલાસીઓ અને બે હજાર મરીનને લઈને મધ્યપૂર્વમાં જઈ રહ્યા છે. આ જહાજોમાં યુએસએસ થિયોડોર રુઝવેલ્ટ કેરિયર સ્ટ્રાઇક ગુ્રપ છે, જેને તાજેતરમાં ક્રૂઝર યુએસએસ ચોસિન અને યુએસએસ મેકિન આઇલેન્ડ રેડીનેસ ગુ્રપમાં યુએસએસ જહોન પી મુર્થા અને યુએસએસ એન્કરેજ એમ્ફિબિયસ લેન્ડિંગ શિપ્સનો સમાવેશ થાય છે. આનો સીધો અર્થ એમ કરી શકાય છે કે ઓક્ટોબરના અંત સુધીમાં આ જહાજો ત્યાં પહોંચી જશે. આ સાથે મધ્યપૂર્વમાં અમેરિકન નેવીના ૨૦ હજારથી વધુ ખલાસીઓ અને મરીન્સની હાજરી થશે, જે ૨૦૦૩ પછીની સૌથી વધુ હશે.
આ પહેલા ટ્રમ્પે ટાઇમ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ત્રીજી નવેમ્બર પછી તેના પર બોમ્બિંગ થવાની સંભાવના પ્રબળ છે. તેમણે ઇરાનની દરખાસ્ત નકારવા અંગે જણાવ્યું હતું કે તેમા કશું ન હતુ, તેમણે વર્ષ પહેલાં જે વાત હતી તે જ વાત કરી હતી અને મેં પણ વર્ષ પહેલાં જે દરખાસ્ત નકારી હતી તે જ દરખાસ્ત આજે પણ નકારી હતી. ટ્રમ્પે ઉમેર્યુ હતું કે ઇરાન હોર્મુઝને ખુલ્લી મૂકવાના મુદ્દે ચર્ચા કરવા ઇચ્છુક હતુ, પરંતુ તેની કુલ દરખાસ્ત સ્વીકાર્ય ન હતી.






