ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન ‘અર્નબ’ને ધ્યાનમાં રાખી આંધ્ર પ્રદેશ અને ઓડિશાનાં લગભગ ૪૦૦૦ ચક્રવાત આશ્રય સ્થાનબનાવવામાં આવ્યા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્મચારીઓને એલર્ટ રાખવામાં આવ્યા છે. આ વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં વિશાખાપટ્ટનમની પાસે દરિયાકાંઠે ત્રાટકી શકે છે.
સાવચેતીનાં ભાગરૂપે ભારતીય રેલવેએ આ વિસ્તારમાં ઓછામાં ઓછા ૫૦ ટ્રેનો રદ કરી દીધી છે. જ્યારે દરિયાકાંઠાનાં વિસ્તારની સડકો પર વાહન વ્યવહાર બંધ કરી દીધો છે. દિવસ દરમિયાન વિજયવાડાને ચેન્નાઇ અને બેંગાલુરુથી જોડતી ઇન્ડિગોની બે ફલાઇટ પણ રદ કરી દેવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર બપોરે ૨.૩૦ કલાકે આ તોફાન આંધ્ર પ્રદેશનાં કાકીનાડાથી લગભગ ૧૪૦ કિમી દક્ષિણ પૂર્વ અને વિશાખાપટ્ટનમથી ૧૭૦ કિમી દક્ષિણમાં હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ૧૮ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને બુધવાર સવાર સુધી બાપટલા અને વિશાખાપટ્ટનમની વચ્ચે યાનમની નજીક દરિયાકાંઠાને પાર કરી શકે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશ સરકારે રાજ્યનાં ૨૦ જિલ્લાઓમાં ૨૧૩૧ ચક્રવાત આશ્રય સ્થળ બનાવ્યા છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત થનારા વિસ્તારોમાં ૧૦૮૭ આરોગ્ય ટીમો તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત ૮૨૮૧ ઇમરજન્સી બેડ અને ૧૨૭૪ એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧૪,૬૮૬ રાશનની દુકાનો પર બે મહિના માટે જરૂરી વસ્તુઓનો સ્ટોક પહોંચાડી દેવામાં આવ્યો છે. ૨.૭૦ કરોડ લોકોનાં મોબાઇલ ફોન પર સતત વાવાઝોડા સંબધી એલર્ટ મોકલવામાં આવી રહી છે. ઓડિશામાં જ્યાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે ત્યાં ૪૮૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. આઠ જિલ્લાઓમાં મંગળવાર અને બુધવારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોનાં લોકોને રાખવા માટે ૧૩૫ સ્થાયી ચક્રવાત આશ્રય સ્થળ અને લગભગ ૧૬૦૦ અસ્થાયી આશ્રય સ્થળ તૈયાર કરવામાં આવ્યા છે.





