મણિપુરમાં હિંસાની ઘટનાઓ વચ્ચે બે કુકી યુવકોની હત્યા બાદ ફરી તણાવની સ્થિતિ સર્જાઈ છે. કાંગપોકપી જિલ્લામાં હત્યાના વિરોધમાં કુકી સંગઠન કમિટી ઓન ટ્રાઇબલ યુનિટી (COTU)એ બંધને વધુ 48 કલાક લંબાવવાની જાહેરાત કરી છે. અગાઉ સંગઠને રવિવારથી 24 કલાકના બંધનું એલાન આપ્યું હતું.
ગત સપ્તાહે તાફોઉ કુકી ગામમાંથી ગુમ થયેલા ટી. ચોંગલોઈ (21) અને પાઓગિનલાલ હેંગશિંગ (20)ના મૃતદેહ રવિવારે સવારે પડોશી સેનાપતિ જિલ્લાના પહાડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા. 29 ઑક્ટોબરે ગુમ થયેલા બંને યુવકોના મૃતદેહ કેળાના બગીચામાં બોરીઓમાં ભરેલી હાલતમાં મળી આવ્યા હતા. બંનેની હત્યાના વિરોધમાં કાંગપોકપીના વિવિધ વિસ્તારોમાં પ્રદર્શનો યોજાયાં હતાં. પ્રદર્શનકારીઓએ રસ્તાઓ પર ટાયર સળગાવી અવરોધો ઊભા કર્યા હતા. સોમવારે પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થતાં પોલીસે ટિયર ગૅસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ પણ પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન એક પ્રદર્શનકારીને માથામાં ઈજા પહોંચી હતી.ઘટનાને પગલે વિસ્તારમાં વધારાનાં સુરક્ષાદળો તહેનાત કરાયાં છે. તણાવ યથાવત્ રહેતાં મણિપુરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી ચિંતા વધી છે.






