મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધી રહ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. એક તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સમાધાનની સંભાવના વ્યક્ત કરી છે, તો બીજી તરફ અમેરિકાએ ઈરાનના વ્યૂહાત્મક કેશમ ટાપુ પર મર્યાદિત હવાઈ હુમલો કર્યો હોવાનો દાવો થયો છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ઈરાન ઝડપથી સમાધાન કરવા ઇચ્છે છે અને બંને દેશો વચ્ચે મોટી ડીલ શક્ય છે. તેમણે ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ આશરે 10 ડોલરના ઘટાડાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ચૂંટણી બાદ ઈરાન પર નવા હુમલાની શક્યતા અંગે પૂછતાં ટ્રમ્પે ઇનકાર કર્યો હતો.
જોકે, ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ, અમેરિકાએ હોર્મુઝની સામુદ્રધુનીમાં આવેલા કેશમ ટાપુ પર ગુપ્ત રીતે મર્યાદિત હુમલો કર્યો હતો. ઈરાની સરકારી સમાચાર એજન્સી IRNAએ પણ ટાપુ પર શ્રેણીબદ્ધ ધડાકા થયાની માહિતી આપી હતી. દરમિયાન, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે અમેરિકાનું MQM-170 રિકોનિસન્સ અને ડેકોય ડ્રોન કબજે કર્યાનો દાવો કર્યો છે. આ સાથે કબજે કરાયેલા આવા ડ્રોનની સંખ્યા ચાર થઈ હોવાનું ઈરાને જણાવ્યું છે. રાજદ્વારી નિવેદનો અને લશ્કરી ગતિવિધિઓ વચ્ચે બંને દેશો વચ્ચેનો તણાવ ફરી ચર્ચામાં આવ્યો છે.
–






