પીએમ મોદી બે દિવસના પ્રવાસે ફિલિપાઇન્સ પહોંચ્યા છે. તેમના સન્માનમાં રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમુઆલ્ડેઝ માર્કોસ જુનિયરે એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં પીએમ મોદી ફિલિપાઇન્સના પરંપરાગત પોશાક બારોંગ તાગાલોગ નજરે પડ્યા હતા. તેમજ ભોજન સમારંભના સ્થળે જવા માટે તેમણે બેટરી ઓપરેટેડ રિક્ષામાં પ્રવાસ કર્યો હતો. આ ઓટો-રિક્ષાની વ્યવસ્થા ખાસ કરીને વિશિષ્ટ અતિથિઓના આગમન માટે કરવામાં આવી હતી.
જ્યારે રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર અને ફર્સ્ટ લેડી લુઇસ અરાનેટા-માર્કોસે ભોજન સમારંભના સ્થળે પહોંચેલા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ પૂર્વે પીએમ મોદી જ્યારે ફિલિપાઇન્સ રાજધાની મનીલા પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદીએ ‘X’ પર પોસ્ટ કરીને લોકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે ફિલિપાઈન્સની રાજધાની મનીલા પહોંચીને અને ભારતીય સમુદાયના લોકોને મળીને તે ખૂબ જ ખુશ છે. સમાજના લોકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, ભારતીય મૂળના લોકો પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવાની સાથે ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં કાર્યક્રમ દરમિયાન ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ‘ગોલ્ડન સ્ટાર ઓફ અગુસન’ અને 9મી-10મી સદીના ઐતિહાસિક ‘લગુના કોપરપ્લેટ શિલાલેખ’ની પ્રતિકૃતિઓ ત્યાં જોવા મળી હતી.






