મદુરાઈની પવિત્ર થિરુપરંકુંદ્રમ ટેકરી પર ‘કાર્તિગાઈ દીપમ’ પ્રગટાવવા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા કડક આદેશના ગણતરીના કલાકોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ભગવાન મુરુગનને યાદ કરીને એક પોસ્ટ શેર કરી છે. શુક્રવારે સર્વોચ્ચ અદાલતે શનિવારે વિવાદિત ‘દીપથૂન’ સ્તંભ પર દીવો પ્રગટાવવાનો નિર્દેશ આપ્યો હતો, જેના થોડા સમય બાદ પીએમ મોદીની આ પ્રતિક્રિયા સામે આવી છે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તમિલ, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પોસ્ટ કરી હતી. તેમણે તમિલ ભક્તિ નારો “વેટ્રીવેલ મુરુગનુક્કુ અરોહરા!” લખ્યો છે. અંગ્રેજીમાં તેમણે ‘Vetrivel Muruganukku Arogara!’ (ભગવાન મુરુગનનો જય હો) લખીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. જોકે, વડાપ્રધાને પોતાની આ પોસ્ટમાં સુપ્રીમ કોર્ટના આદેશ કે ચાલી રહેલા વિવાદનો સીધો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે.
બીજી તરફ, શુક્રવારે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ વહીવટીતંત્ર સામે અત્યંત લાલ આંખ કરી હતી. કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક સહિત કુલ 15 લોકોને કોર્ટની અવમાનના બદલ નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે અરુલ્મિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરના ટ્રસ્ટી બોર્ડની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરીને તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. મંદિરના વહીવટની દેખરેખ માટે મદ્રાસ હાઈકોર્ટના બે નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે.






