જામનગરની જાહેર સભામાં મોંઘવારી મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, દુનિયાની સરખામણીએ આપણો દેશ આજે મજબૂત સ્થિતિમાં છે અને ભારતની મજબૂત સ્થિતિ જોઈને કેટલાક લોકોની સવારની ચા બગડી જતી હશે. પ્રધાનમંત્રીએ ઉદાહરણ સાથે કહ્યું કે, ઇંગ્લેન્ડમાં 50 વર્ષની સૌથી વધુ મોંઘવારી છે. અમેરિકામાં 45 વર્ષની સૌથી વધુ મોંઘવારી છે. દુનિયાભરના લોકો લખે છે દુનિયા મંદીના મોજામાં ડૂબી રહી છે. વર્લ્ડ બેંક અને IMFવાળા લખે છે. મોટા મોટા અર્થશાસ્ત્રીઓ લખે કે આખી દુનિયા મંદી તરફ ગતિ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, વિકસિત દેશોના વિકાસદર બેસી ગયા છે. વિકસિત દેશોમાં વ્યાજદર વધી ગયા છે. આખી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ઉથલપાથલ મચી ગઈ છે, પરંતુ એક માત્ર ભારત, સ્થિર ગતિથી ડગ આગળ માંડી રહ્યું છે.
આ સાથે જ પ્રધાનમંત્રીએગુજરાતીમાં રણટંકાર કરતાં કહ્યું કે, 2014 પહેલાં ભારતનું અર્થતંત્ર દુનિયામાં 10 માં નંબરે હતું. આપણે આઠ વર્ષમાં જ દસમા નંબરથી કૂદકો લગાવીને પાંચમા નંબરે પહોંચી ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાની પહેલી પાંચ ઈકોનોમીમાં આપણો નંબર આવી ગયો છે. 10 થી 6 નંબર સુધી તો કોઈએ નોંધ ના લીધી, પરંતુ જેવા આપણે પાંચમા નંબરે પહોંચ્યા તો આખા દેશના લોકોમાં એક નવી ઊર્જા આવી ગઈ. કેમ કે, જેમણે આપણને અઢીસો વર્ષ ગુલામ રાખ્યા હતા એમને આપણે પાછળ ધકેલી દીધા છે.
હોંકારા-પડકારા કરનારા અડધા કલાકમાં સમજી ગયા કે ભાઈ આમાં કંઈ ચાલે એમ નથી
ગુજરાતમાં ગેરકાયદે દબાણો પર ચાલતી બુલડોઝર સ્ટ્રાઈકનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરપૂર વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીનો અનુભવ ગુજરાતને બરાબર થયો છે. સમુદ્રની પટ્ટી ઉપર ગેરકાયદેસર બાંધકામો કરી કરીને જે લોકોએ દબાણ કર્યું હતું એ ચુપચાપ સફાચટ કરી દેવામાં આવ્યાં છે. ભૂપેન્દ્રભાઈ અભિનંદન. પીએમ મોદીએ કહ્યું કે- મક્કમ લીડરશીપની નીચે સુધી ખબર પહોંચી જતી હોય છે. કોઈ પણ વિરોધ વગર પોટલું બાંધીને બધાએ કહ્યું કે ભાઈ કશો વાંધો નહીં, તમારું છે લઈ લો. આ મક્કમતાનું પરિણામ છે. કેટલી બધી જમીન ખુલ્લી થઈ છે અને બેટ દ્વારકાનું સન્માન ફરીથી વધ્યું છે. બધા સંતોનાં નિવેદન જોયાં તેનાથી આનંદ થયો છે તેવું પણ પીએમ મોદીએ કહ્યું છે.. આખા ગુજરાતના સમુદ્ર કિનારા પર સફાઈ કરી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ. હોંકારા-પડકારા કરનારા અડધા કલાકમાં સમજી ગયા કે ભાઈ આમાં કંઈ ચાલે એમ નથી.