ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ગમે તે ઘડીએ જાહેરાત થઇ શકે છે. તેવામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીતના રાજકીય પક્ષો ગુજરાતનો ગઢ પોતાને નામ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ચૂંટણીને પગલે AIMIM પાર્ટી પણ એક્શનમાં આવી છે. ઓવૈશીની પાર્ટી AIMIM પણ ગુજરાતની 30 બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.
ગુજરાતમાં AIMIM પક્ષ પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહ્યો છે. આગામી ચૂંટણીને લઇને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીનું સંપૂર્ણ ધ્યાન દલિત અને મુસ્લિમ વોટ ઉપર છે. AIMIM દ્વારા અમદાવાદની 5 વિધાનસભા બેઠક, અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ,જૂનાગઢ, જૂનાગઢ ગ્રામ્ય, માંગરોળ, ધોરાજીમાં AIMIM ચૂંટણી લડશે. વધુમાં ઉના, કોડિનાર, ઉમરેઠ, ખંભાળિયા, સોમનાથ સહીતની બેઠક પર AIMIM પાર્ટી ઝંપલાવી શકે છે. આમ આદમી પાર્ટીના આગમને લઇને કોંગ્રેસ માટે પહેલાથી જ સમસ્યા સર્જાઇ હતી. તેવામાં હવે AIMIMની એન્ટ્રીને લઇને કોંગ્રેસના મુસ્લિમ મતો પર પણ જોખમ મંડરાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 26 સીટો ઉપર AIMIMએ જીત હાંસલ કરી હતી. ત્યારે 2022ની ચૂટંણીને લઇને અસદુદ્દીન ઓવેસીના ગુજરાત પ્રવાસમાં પણ વધારો આવ્યો છે. અત્યાર સુધીમાં AIMIMએ અમદાવાદની 3 અને સુરતની 2 બેઠકો સહીત અનેક બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ પાંચમાંથી ચાર ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે.