ગુજરાતમાં તમામ પક્ષના દિગ્ગજો એક પછી એક પ્રજાને પોતાના પક્ષ તરફ આકર્ષવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી નવેમ્બરના રોજ માનગઢ ખાતે આવી રહ્યા છે. ત્યારે માનગઢને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ઉપરાંત તે જાહેરાત સાથે ભાજપને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ તેનો ફાયદો મળશે તેવું રાજકીય નિષ્ણાંતોનું અનુમાન છે, તો આવા કામમાં કોંગ્રેસ પણ પાછળ રહે તેમ નથી. અશોક ગેહલોત દ્વારા માનગઢને લઈને જાહેર સભામાં કહ્યું હતું કે માનગઢનો જીર્ણોદ્ધાર કોંગ્રેસે કર્યો છે અને માનગઢમાં 22 વર્ષ પહેલા સ્મારક બનાવેલું છે.
ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૨૮/૧૦/૨૦૨૨ ને શુક્રવારના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક સભા સંબોધી હતી. જેમાં તેમનું એવું કહેવું હતું કે નરેન્દ્ર મોદી મોડેલ બનાવવાની વાત કરે છે, ખબર નહીં કયું મોડેલ બનાવવાની વાત કરે છે ? પણ ગુજરાત રાજ્યનું મુખ્યમંત્રી સહિત આખુંને આખું મંત્રી મંડળ બદલી નાખવાનું શું કારણ હોઈ શકે ? શું તેઓએ ગુજરાતમાં વિકાસના કોઈ કાર્ય કર્યા નથી ? જેથી કરીને નરેન્દ્ર મોદીએ આખે આખું મંત્રીમંડળ બદલી નાખ્યું?
ગહેલોતે વધુમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અમારાથી ગભરાય છે એટલે જ વારંવાર ગુજરાતમાં આવે છે. કારણ કે તેમને કોંગ્રેસનો ડર છે. આ વિસ્તારમાં હમણાં જ ટૂંક સમય પહેલા તેમણે સભા કરી હતી, તેમ છતાં ફરી આ વિસ્તારમાં ટૂંકા ગાળામાં બીજી સભા કરી રહ્યા છે. એનો મતલબ કે તેમને ક્યાંકને ક્યાંક કોંગ્રેસનો ડર સતાવી રહ્યો છે. બીજી બાજુ આજે અચાનક રાજસ્થાનના મુખ્યમંત્રી દાહોદમાં પહોંચ્યાં હતા અને સભા કરી તેના કારણે એવી ચર્ચા થઇ રહી છે કે કોંગ્રેસ મોદીથી ડરી ગઈ હોય તેવું લાગે છે. માટે જ કોંગ્રેસે તાબતોડ મોદી આવે તે પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રીને સભા કરવા દાહોદ મોકલ્યા.