વિધાનસભા ચૂંટણીની તારીખો સત્તાવાર રીતે જાહેર થઇ ચુકી છે ત્યારે હવે રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસારને વેગ આપ્યો છે. આવતીકાલે વડાપ્રધાન મોદી સહિતના ભાજપની ટોચની નેતાગીરી ભાવનગર એક સામાજીક પ્રસંગમાં ઉપસ્થિત રહેનાર છે તો બીજી બાજુ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કાલે ભાવનગરમાં ચૂંટણી પ્રચાર માટે જાહેર સભા યોજશે. આમ ચૂંટણી જાહેર થયાના બે જ દિવસમાં ભાવનગરના રાજકારણમાં ખરો ગરમાવો આવી ગયો છે. બન્ને પક્ષ તરફથી હજુ ઉમેદવારો જાહેર કરવાના મોટાભાગે બાકી છે પરંતુ પ્રચાર-પ્રસાર તેજ જણાઇ રહ્યો છે.
કોંગ્રેસ આ વખતે રાજસ્થાન મોડલને આગળ ધરી લોકો પાસે મત માંગશે ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કાલે તા.૬ને રવિવારના ૧૧ કલાકે ભાવનગરના વરતેજ ખાતે જાહેર સભા કરશે. જેમાં એ.આઇ.સી.સી.ના મિલન દેવરાજી, રાષ્ટ્રીય અગ્રણી અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર, સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશોર ઓઝા સહિતના આ સભામાં ઉપસ્થિત રહેશે અને સભા સંબોધશે. ભાવનગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ સૌપ્રથમ કોંગ્રેસ દ્વારા આ જાહેર સભા આયોજીત થઇ છે. જ્યારે આગામી દિવસોમાં ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ જાહેર સભાઓ ગોઠવાશે. ૧ ડિસેમ્બરના પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્રનો સમાવેશ થયો છે ત્યારે રાજકીય પક્ષો પાસે રાત ઓછી અને વેશ ઝાઝા છે !