દેશમાં અગ્રણી પેથોલોજીસ્ટ અને ડાયગ્નોસ્ટિક સંજીવની મેટ્રોપિલસ લેબોરેટરી પર આજે સવારથી આવકવેરાના દરોડા પડતા રાજ્યની તમામ લેબમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજે સવારથી જ રાજકોટ સહિત અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઇ અને દિલ્હીમાં આવેલી મેટ્રોપોલિસની વિવિધ શાખાઓમાં આવકવેરાના અધિકારીઓ ત્રાટક્યા હતા. વિભાગ દ્વારા લેબોરેટરીના નાણાંકીય વ્યવહારો અને ખરીદીના વ્યવહારોની ઊંડાણપૂર્વકથી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.
આ દરોડા રાષ્ટ્રીયકક્ષાએથી પાડવામાં આવ્યા હોવાથી સ્થાનિક અધિકારીઓએ મૌન સેવ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં લેબના બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા સમયે મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભુજના જાણીતા ગ્રુપ પર આવકવેરા ખાતાએ દરોડા પાડયા હતા જેની તપાસ હજુ પણ ચાલુ છે. આ જૂથના ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ પર પાડવામાં આવેલા દરોડામાં આશરે 200 અધિકારીઓ જોડાયા હતા. આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મેટ્રોપોલિસ લેબ કોરોના સમયથી આવકવેરાની નજરમાં હતી. હવે આવકવેરા વિભાગ પાસે પૂરતા પુરાવા હાથ લાગતા આજે દેશવ્યાપી દરોડા પાડયા હતા.