આગામી તા.૧ ડિસેમ્બરના રોજ ભાવનગર જિલ્લાની મહુવા બેઠક માટે યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે કુલ ૧૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે અને મહુવા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાેરશોરથી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે અને મહુવા બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે તેવી ચર્ચાઓ થઇ રહી છે ત્યારે ગત ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પણ મહુવા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને સદ્દભાવના પક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો જેમાં ભાજપના ઉમેદવાર માત્ર પાંચ હજારની સરસાઇથી વિજેતા થયા હતાં. આ ચૂંટણીમાં હાલના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ કળસરીયા ગત ચૂંટણીમાં સદ્દભાવના પક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા અને મતો મેળવવામાં ભાજપ પછી બીજા નંબરે રહ્યા હતાં અને કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા સ્થાને રહ્યા હતાં.
મહુવા બેઠક પર ગત ચૂંટણીમાં નારાજ થયેલા બિપીનભાઇ સંઘવીએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું અને ૧૩૪૧૪ મતો મેળવી બાજી પલ્ટી નાખી હતી. મહુવા બેઠક પર ગત ચૂંટણીમાં કુલ ૨,૦૮,૯૫૬ નોંધાયેલા મતદારો પૈકી કુલ ૧,૩૪,૭૪૧ લોકોએ મતદાન કર્યું હતું. ૨૭૬ બુથ પર થયેલા મતદાનમાં ૨૦૧૭માં ભાજપના ઉમેદવાર આર.સી. મકવાણાને ૪૪,૪૧૦, સદ્દભાવના પક્ષના કનુભાઇ કળસરીયાને ૩૯,૪૦૧, કોંગ્રેસના ઉમેદવાર વિજય બારૈયાને ૩૦,૫૭૬ તેમજ અપક્ષ ઉમેદવાર બિપીનભાઇ સંઘવીને ૧૩,૪૧૪ મતો મળ્યા હતાં. આ ઉપરાંત ૨,૬૫૩ મતો નોટામાં ગયા હતા. આમ મહુવા બેઠક પર ગત ચૂંટણીમાં પણ કોંગ્રેસ, ભાજપ અને કનુભાઇ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો જેમાં ભાજપના ઉમેદવારે પાંચેક હજાર મતોની સરસાઇથી વિજય મેળવ્યો હતો. ત્યારે આ વખતે હવે કનુભાઇ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જાે કે, મહુવા બેઠક પર આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર હોય અને મહુવા બેઠક પર આ વખતે ૧૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને તમામ પક્ષો દ્વારા જાેરશોરથી પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ વખતે મહુવા બેઠકનો તાજ કોના શીરે મુકાશે તે જાેવું રહ્યું. જાે કે, આ વખતે તંત્ર દ્વારા પણ મતદારોને જાગૃત કરવા અને વધુમાં વધુ મતદાન કરવા પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.