પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે સાંજે 5 વાગતા જ જાહેર પ્રચાર બંધ થઇ જશે. ત્યારબાદ તમામ રાજકીય પક્ષોનું ફોક્સ મતદાન પર હશે.
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કાના મતદાનના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે રાજકીય પક્ષો-ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવશે. પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો અને રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો વિવિધ જગ્યાએ રેલીઓ અને સભાઓ ગજવશે. આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થયા બાદ ઉમેદવારો સોશિયલ મીડિયામાં વધુ સક્રિય થઈ જશે.
આજે સાંજે 5 વાગ્યે જાહેર પ્રચાર ઉપર પડદો પડે એ પહેલા આજે રાષ્ટ્રીય નેતાઓ સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો રોડ-શૉ યોજાશે. જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની માંડવી અને ગાંધીધામમાં ચૂંટણી પ્રચાર કરશે. તો અભિનેતા પરેશ રાવલ સાવરકુંડલામાં ચૂંટણી પ્રચાર કરશે. સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ઉમેદવાર મતદાનના દિવસ સુધી ડોર ટૂ ડોર મતદાન અપિલ કરી શકશે.