માસ્ટર્સ ગેમ્સ એથ્લેટીક્સ એસોસીએશન ગુજરાત દ્વારા તાજેતરમાં વડોદરા ખાતે ઓએનજીસી ગ્રાઉન્ડ પર રાજ્યકક્ષાની માસ્ટર્સ ગેમ્સ યોજાયેલ જેમાં ૧૦૦ મી. દોડ સ્પર્ધામાં ભાવનગરના લાલજીભાઇ ગોહેલે પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
માસ્ટર્સ ગેમ્સ એથ્લેટીક્સ એસોસીએશન દ્વારા ૩૫થી ૯૦ વર્ષની ઉંમરના ખેલાડીઓ માટે વડોદરા ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ વયજૂથમાં યોજાયેલી સ્પર્ધામાં ભાવનગરના લીલા ન્યુઝ નેટવર્કના સૌરાષ્ટ્ર આસપાસ સાંધ્ય દૈનિકના સિનીયર ઇલેક્ટ્રીશ્યન લાલજીભાઇ બી. ગોહેલે ૧૦૦ મી. ઝડપી દોડમાં ભાગ લીધો હતો અને પ્રથમ નંબરે વિજેતા થઇ રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવી હતી. તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
લાલજીભાઇ ગોહેલે અગાઉ અનેક રાજ્યકક્ષાની તથા રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને ઝડપી દોડ ઉપરાંત જવેલીયન થ્રો તેમજ લોંગ જમ્પમાં પણ અનેક મેડલો અને સર્ટીફીકેટ પ્રાપ્ત કરેલા છે. રાજ્યકક્ષાએ ૧૦૦ મીટર દોડમાં પ્રથમ આવતા લાલજીભાઇ આગામી ફેબ્રુઆરી માસમાં હેદ્રાબાદ અને કોલકત્તા ખાતે યોજાનાર નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.