ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે ત્યારે ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખીયાને ધરાર પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. રાજુ સખીયાએ પોલીસ રક્ષણ ન માંગ્યું હોવા છતાં 2 પોલીસકર્મીઓને તેમના ઘરે તૈનાત કરાયા છે. મહત્વનું છે કે, ગોંડલ અને રીબડાના વિવાદમાં રાજુ સખીયાએ અનેક વખત નિવેદનો આપ્યા હોવાથી તેમને પોલીસ રક્ષણ અપાયું હોવાની શક્યતાઓ છે.
આ અંગે તેઓએ જણાવ્યું કે, મેં પોલીસ રક્ષણ ન માગ્યું હોવા છતાં આજે મંગળવારે બે પોલીસકર્મીઓ ઘરે આવ્યા હતા. જ્યારે મેં તેઓને પૂછતા તેઓએ ઉપરથી આદેશ હોવાનું જણાવ્યું હતું. જેથી મેં ગોંડલના ઈન્ચાર્જ પીઆઈ ઝાલાનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેઓએ કહ્યું હતું કે, અમે સૂચનાઓ મુજબ તમને બે પોલીસમેન ફાળવ્યા છે. તમે ગોંડલ શહેરથી બહાર જાઓ તો પણ તમારે પોલીસને જાણ કરવાની રહેશે. જેથી કરીને પોલીસ વેન તમારી સાથે રક્ષણ માટે આવી શકે.
ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ઝંપલાવી પાટીદાર આગેવાન રાજુ સખીયાએ અનેક વખત બંને વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. તાજેતરમાં જ તેઓએ એવું નિવેદન કર્યું હતું કે, જ્યારે જયરાજસિંહ ગોંડલના ધારાસભ્ય હતા, ત્યારે અનિરુદ્ધસિંહ તેમના મિત્ર હતા. આ સમયે પણ રીબડામાં પાણીના ભાવે જમીન પડાવી લેવામાં આવતી હતી. હાલ જ્યારે બંને વચ્ચે માથાકુટ ચાલી રહી છે ત્યારે પાટીદારને બચાવવાની વાતો કરવામાં આવે છે.