દેશના પ્રધાનમંત્રી અને તેના માતા અંગે ફેસબુકમાં અભદ્ર શબ્દનો ઉપયોગ કરી સુલેહ શાંતિનો ભંગ થાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર સિક્કા ગામના શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી લઇ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે તેના બે મોબાઈલ ફોન કબજે કરી લેવાયા છે.
જામનગર તાલુકાના સિક્કા પોલીસ સ્ટેશનમાં ગત તા.૩૧.૧૨.૨૦૨૦ના રાત્રીના સમયે સિક્કાના જ એક શખ્સ સામે આઈ.પી.સી. કલમ ૧૨૦(બી), ૧૫૩(ક), ૨૯૨(ર)(ક), ૨૯૪(બ), ૨૯૫(ક), ૨૯૮, ૪૬૯, ૫૦૦, ૫૦૧, ૫૦૪, ૫૦૫(ર) તથા આઇ.ટી એકટ સને ૨૦૦૦ ની કલમ ૬૭ મુજબનો ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરીને સોંપાઈ છે.
આ ગુનાના આરોપી અફજલ કાસમભાઈ લાખાણી (ઉ.વ.૪૦) ધંધો શેરબજારનો રહે.પંચવટી સોસાયટી, સોઢા સ્કુલની પાસે, હુશેનભાઈ સુંભાણીયાના મકાનમાં, સિકકા ગામ, તા.જી. જામનગર (મુળ રહે જમના કુંડ ચોક, ભાવનગર) વાળાએ પોતાના ફેસબુકના પેઇઝ ‘ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત’ નામના ફેસબુક એકાઉન્ટમા ભારતના વડાપ્રધાન તથા તેઓના માતા વિરૂધ્ધ ગેરશબ્દોનો ઉલ્લેખ કરી, જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેમજ ઉશ્કેરાટ પેદા થાય તેવા શબ્દો ભાષાનો ઉલ્લેખ કરતી પોસ્ટ મુકી હતી.
આરોપીએ ફેસબુક એપમાં અફજલ લાખાણી નામથી એક ફેસબુક એકાઉન્ટ ખોલેલું હતું. જે એકાઉન્ટ માંથી વિવિધ પ્રકારના ફેસબુક પેઈઝ તથા અનેક અકાઉન્ટ ખુલેલા છે. જે એકાઉન્ટો મહિલાઓના નામે પણ છે. અને આરોપી સોશ્યલ મિડીયાનો જાણકાર હોવાથી પોતે પોતાની પોસ્ટ ઉપર પોતાના અન્ય નામથી બનાવેલ આઈ.ડી.માંથી કોમેન્ટ કરે છે. જેના હજારોની સંખ્યામાં ફોલોવર્સ છે. સમગ્ર મામલો ધ્યાને આવતાં આરોપી અફઝલ લાખાણી સામે ગુનો નોંધી તેની અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેનો કોવિડ ટેસ્ટ કરાયો હતો. જેનો રિપોર્ટ નેગેટીવ આવતાં ગઈકાલે મોડી રાત્રે તેની ધરપકડ કરી અદાલત સમક્ષ રજૂ કરાયો હતો, અને સાત દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં અદાલત દ્વારા બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે.