રાજકોટથી નેપાળ જવા નીકળેલી પ્રવાસીઓ સાથેની બસને બોર્ડર નજીક ભયંકર અકસ્માત નડતા 14 લોકોના મોત નિપજયા હતા. જયારે કેટલાક ઘાયલ થયા હતા. રાજકોટથી નેપાળી નાગરિકોને લઇને આ બસ નીકળી હતી. મોતને ભેટનારા મોટા ભાગના નેપાળના જ નાગરિક હોવાનું બહાર આવ્યું છે.
ઉત્તરપ્રદેશના લખનૌથી 40 કિલોમીટર દુર આજે વહેલી સવારે સર્જાયેલા આ ભયાનક અકસ્માતની પ્રાથમિક વિગતો પ્રમાણે રાજકોટના રૈયા રોડ પર ટ્રાવેલ એજન્સી ચલાવતા સંચાલક દ્વારા નેપાળના નાગરિકો માટેની ખાસ બસ શનિવારે રવાના કરવામાં આવી હતી. રાજકોટમાં રહીને કામ કરતા નેપાળી નાગરિકો વખતોવખત વતન જતા હોય છે અને આ ટ્રાવેલ સંચાલક દ્વારા ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ટ્રાવેલ્સ સંચાલકે રાજસ્થાનની બસ ભાડે કરીને શનિવારે રાજકોટથી ઉપાડી હતી.
આ બસ લખનૌથી 40 કિલોમીટર દુર હતી ત્યારે ગાઢ ધુમ્મસના માહોલમાં સામે આવતા વાહન સાથે ભયાનક ટકકર થઇ હતી અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 14 લોકોના મોત નિપજયા હતા. તમામ લોકો નેપાળ જ નાગરિક હોવાનું બહાર આવ્યું છે. રાજકોટના નેપાળી આગેવાને વાતચીતમાં જણાવ્યું હતું કે મૃત્યુઆંક વિશે ચોકકસ માહિતી નથી પરંતુ 6 લોકો મોતને ભેટયા હોવાનું પ્રાથમિક તબકકે જાણવા મળ્યું છે.
બસના બંને ડ્રાઇવર ઉપરાંત બસ માલિકનો પણ ભોગ લેવાયો છે જયારે 3 મૃતકોની ઓળખ મળી છે. તેમાં ચંદ્રસૌદ, નિર્મલા બોહરા તથા લલિત સૌદનો સમાવેશ થાય છે. અન્યોની ઓળખ મેળવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મૃતકો તમામ ટીકાપુર તથા આસપાસના ગામોના રહેવાસી હતા. અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ બનાવની જાણ થતા લખનૌનું વહીવટી તંત્ર ધસી ગયુ હતું અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. મૃતકોની ઓળખ મેળવવાના પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. એમ જાણવા મળ્યું છે કે બસ નેપાળ જઇ રહી હતી અને લખનૌથી માત્ર 30 કિલોમીટર દુર હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સામેથી આવતા વાહન સાથે ટકકર થઇ હતી.