ભાવનગરમાં રખડતા પશુનો ત્રાસ દુર કરવા મ્યુ. તંત્રએ સધન કેટલ ડ્રાઇવ હાથ ધરી છે જેમાં બે દિવસમાં ૧૦૭ પશુ ડબ્બે પુરી અસરકારક કામગીરી કરી હતી. જ્યારે ઘોઘારોડ ઉપર જાહેર રોડ પર લીલુ ઘાસ વેચતા શખ્સ સામે કાર્યવાહીના ભાગરૂપે પુળા જપ્ત લઇ લેવાયા હતાં.
મ્યુ. કમિશનરે આજે ઘોઘાસર્કલ વોર્ડમાં મુલાકાત લીધી હતી અને જરૂરી સુચનાઓ આપી હતી. જ્યારે ઘોઘારોડ પર મંત્રેશ કોમ્પ્લેક્ષ નજીક એક શખ્સ દ્વારા કોર્પોરેશનની માલિકીના રોડ પર લીલો ઘાસચારો રાખીને તેનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવતા કમિશનરે તેની સામે કાર્યવાહી કરાવીને ઘાસના પુળા જપ્ત કરાવ્યા હતાં. તો ગઇકાલ સોમવાર અને આજે મંગળવાર બપોર સુધીમાં ૧૦૭ પશુને પકડીને ડબ્બે પુરવામાં આવ્યા હોવાનું કમિશનર ઉપાધ્યાયે એક વાતચીતમાં જણાવ્યું હતું. બપોર બાદ કેટલાક ઢોરને પાંજરાપોળ ખસેડવાની તજવીજ હાથ ધરાનાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
શિસ્તનો કોરડો વિંઝતા કમિશનર : કોર્પોરેશનના સ્ટાફે ફરજીયાત યુનિફોર્મ પહેરવો પડશે
મહાપાલિકાના સ્ટાફને ફરજીયાત ગણવેશ પહેરવાનો હોય છે અને આ માટે વર્ષાંતે ચોક્કસ રકમ પણ ફાળવવામાં આવે છે પરંતુ ભેદી ગયેલા કર્મચારીઓ યુનિફોર્મ પહેર્યા વગર જ ફરજ પર આવતા હોય છે ત્યારે શિસ્તનો કોરડો વિંઝીને કમિશનરે સોમવારથી સ્વયં યુનિફોર્મમાં સજ્જ થઇને આવવાનું શરૂ કર્યું હતું જેના કારણે અન્ય કર્મચારી અને અધિકારીઓ પણ ઘરે જઇને કપડા બદલી યુનિફોર્મ ધારણ કરી આવ્યા હતાં. કર્મચારીઓને ફરજ પાડતા પૂર્વે કમિશનરે જાતે જ યુનિફોર્મ પહેરવાની શરૂઆત કરી છે અને હવેથી દરેક કર્મચારીએ ફરજીયાત યુનિફોર્મમાં સજ્જ થઇને જ આવવાનું રહેશે તેવી તાકિદ કરી છે આથી પેધી ગયેલા કર્મચારીઓ અને અધિકારીઓ મને કમને પણ યુનિફોર્મ પહેરતા થયા છે.